BJPએ નવો દાવ રમ્યો:કપડવંજ બેઠકના ભાજપાના ઉમેદવાર જાહેર પણ કોંગ્રેસના હજુ બાકી; AAPએ વહેલા જાહેર કર્યા હતા

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસમાંથી તાજેતરમાંજ ભાજપમાં જોડાયેલાને પક્ષે ઉમેદવારીનો કળશ ઢોળ્યો હતો. કપડવંજ બેઠક કોંગ્રેસનો ગઢ છે, ત્યારે ભાજપાના ઉમેદવાર પરીવર્તન લાવશે કે કેમ? વર્ષોથી ભાજપા સાથે જોડાયેલા 30 જેટલા દાવેદારોને ભાજપે સાઈડ લાઈન કરી નવું સમીકરણ મુક્યું છે. કપડવંજ કોંગ્રેસના સુત્રોના જણાવ્યા અનુસાર કાળુસિંહ ડાભી જ ઉમેદવાર તરીકે જાહેર થશે.

ભાજપાએ મદાર રાખી ટિકિટ આપી નવો દાવ રમ્યો
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022નો શંખનાદ થઈ ગયો છે. ત્યારે ભાજપાએ તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં 120 કપડવંજ વિધાનસભા બેઠકમાં કઠલાલ તાલુકાના ગોગજીપુરાના વતની અને કોંગ્રેસના ખેડા જિલ્લા પ્રમુખ તરીકે રહી ચુકેલા રાજેશ મગન ઝાલા થોડા સમય પહેલા જ તેના 5 હજારથી વધુ સમર્થકો સાથે ભાજપામાં જોડાઈ ગયા હતા. તેમને ભાજપાએ ટીકીટ આપી છે. વર્ષોથી ભાજપા સાથે જોડાયેલા દાવેદારોને સાઈડ લાઈન કરી કોંગ્રેસમાંથી આવેલા યુવા ઉમેદવાર ઉપર ભાજપાએ મદાર રાખી ટિકિટ આપી નવો દાવ રમ્યો છે. અલબત્ત, ભાજપાના કેટલાક કાર્યકરોમાં નવા ગણિતથી ગણગણાટ શરૂ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત હજુ બાકી છે. પરંતુ કપડવંજ કોંગ્રેસના સુત્રોના જણાવ્યાં અનુસાર કાળુસિંહ ડાભી જ ઉમેદવાર તરીકે જાહેર થશે. કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભી રિપીટ થવાની શક્યતાઓ પ્રબળ જોવા મળી રહી છે. જેમાં કપડવંજ તથા કઠલાલ સંગઠને કાળુસિંહ ડાભી કોમન ઉમેદવાર હોવાનું કોંગ્રેસ સંગઠનને અગાઉથી જણાવી દીધું હોય તેમની શક્યતાઓ વધુ રહી છે.

કોનું પલડુ ભારે રહેશે એતે મતદારો જ નક્કી કરશે
​​​​​​​​​​​​​​
કોંગ્રેસના ગઢ ગણાતા કપડવંજ વિધાનસભામાં ભાજપાના નવા સમીકરણથી આ વર્ષે પરીવર્તન લાવશે કે કેમ? એ પ્રશ્ન લોકચર્ચાનો વિષય બન્યો છે. કઠલાલ/કપડવંજ બન્ને મળી કપડવંજ બેઠક કરાયા બાદ સમીકરણો બદલાયા છે. પ્રતિ ચૂંટણીના આંકડાઓ કહે છે કે, મહત્તમ ભાગે કપડવંજ બેઠક ઉપર કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. બે મુખ્ય હરીફ પક્ષો ભાજપા અને કોંગ્રેસની સાથે આ વખતે આપે પણ કપડવંજ બેઠક ઉપર ચૂંટણીની તારીખ નક્કી થયા અગાઉથી જ ઉમેદવાર તરીકે મનુભાઈ આર. પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. હરીફ પક્ષો જીતના દાવા કરી રહ્યાં છે, પરંતુ કોનું પલડુ ભારે રહેશે એતે મતદારો જ નક્કી કરશે.

અન્ય સમાચારો પણ છે...