કપડવંજ શહેરના વોર્ડ નં.3માં હલકી ગુણવત્તા વાળો રોડ બનાવવા મુદ્દે ભાજપ બક્ષીપંચના કાર્યકરો દ્વારા હોબાળો મચાવતા ના છુટકે કામ બંધ રાખવું પડ્યું છે. મહત્વની વાત છેકે જિલ્લાના છેવાડે આવેલા તાલુકા મથક પર થઇ રહેલા વિકાસના કામોમાં ઠેર ઠેર ગેરરીતીની બૂમો પડી રહી છે. હજુ તો ગુરુવારે મહોર નદી પર બની રહેલી ચેકડેમની કામગીરીમાં હલકી ગુણવત્તા દેખાતા કોંગી ધારાસભ્યએ કામ અટકાવ્યું હતું. જે બાદ શહેરના વોર્ડ નં.3માં ભાજપ કાર્યકરો દ્વારા કામ અટકાવતા છેવાડાના તાલુકામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર વ્યાપ્યો હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે.
કપડવંજ વોર્ડ નંબર 3 નાં રેલવે સ્ટેશન વિસ્તારમાં એ.કે.પ્લાઝાથી રેલવે સ્ટેશન સુધીનો રોડ દોઢ વર્ષથી બિસ્માર હાલતમાં પડી રહ્યો હતો. આ રોડ પાલિકાની ચૂંટણીના એક મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો અને ફક્ત એક મહિનામાં જ ખરાબ થઈ ગયો હતો. જે બાદ ઘણી ફરિયાદ કર્યા બાદ લગભગ દોઢ વર્ષે કોન્ટ્રાક્ટર ડામરથી રોડનું રીસરફેસિંગ કરવા આવ્યો હતો. તેમાં પણ આર.સી.સી રોડ પર ખૂબ જ પાતળુ ડામરનું લેયર લગાડતા હોય હલકી ગુણવત્તા દેખાતી હતી.
જેથી આ સ્થળ પર આર.સી.સી. રોડ બનાવવાની માંગ સાથે બક્ષીપંચ મોરચા ભાજપના ઉપપ્રમુખ અંકિત યાદવ, આનંદ ઠાકોર અને નિલેશ ઠાકોર તથા તેમના સાથીઓ અને સમર્થકો મશીન અને બુલડોઝરની સામે બેસી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી હલકી કક્ષાના રોડનું કામ બંધ કરાવવામાં આવ્યું હતું. નવેસરથી રોડ તોડીને સારા અને ટકાઉ ગુણવત્તા સભર આર.સી.સી. રોડનું કામ ચોમાસા પહેલા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.