કપડવંજના નિરમાલી થી મોટીઝેરને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં ફેરવાતા વાહનચાલકોને હાલાકી વેઠવાની વારી આવી હતી. વારંવાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતા તંત્ર તરફ થી કોઇ પગલા ન લેવાતા ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
કપડવંજ તાલુકાના નિરમાલી થી મોટીઝેરને જોડતો 11 કિલોમીટરનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બનતા આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીમાં વધારો નોંધાયો છે. આ માર્ગની પરિસ્થિતિ એવી બની છે કે નિરમાલીથી મોટીઝેર તરફ જતા માર્ગ પર પુષ્કળ પ્રમાણમાં ખાડા પડી જવાને પરિણામે વાહન ચાલકોને સામેથી આવતા ટ્રેક પર વાહનો ચલાવવા પડી રહ્યા છે.
જેથી અકસ્માતો પણ અવારનવાર બને છે. બિસ્માર બનેલા માર્ગને પરિણામે વાહન ચાલકો ઘણીવાર વાહનના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માતો પણ સર્જાય છે. ત્યારે આ વિસ્તારના સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
નિરમાલીથી મોટીઝેરને જોડતા આ માર્ગ પરથી લાલપુર, શિહોરા, આબવેલ, ઝંડા, મોટી ઝેર, નાનીઝેર જેવા ગામના રહીશો આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. દિવસના હજાર થી વધુ વાહનો આ માર્ગ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. બિસ્માર માર્ગને પરિણામે કોઈ ઈમરજન્સી સારવાર હેઠળ લઈ જવાતા દર્દીને ખરાબ રોડને પરિણામે વધુ સમય થઈ રહ્યો છે. તંત્ર દ્વારા વહેલી તકે રોડનું સમારકામ કરાય તેવી માંગણી છે.
ખરાબ રોડને કારણે અવારનવાર અકસ્માતો થાય છે
નિરમાલી થી મોટીઝેર સુધીનો માર્ગ ખાડા પડી ગયા છે. અમને આ રસ્તા પરથી પસાર થવામાં વધુ સમય લાગે છે. કોઈ દર્દીને આ માર્ગ પરથી લઈ જતા દર્દીની હાલત પણ વધુ ખરાબ થાય છે. > પ્રવિણસિંહ ઝાલા, વાહનચાલક.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.