ત્રણ દિવસીય લોકમેળાનું આયોજન:કપડવંજના સાલોડ ખાતે મોટા રત્નાકર માતાએ ભવ્ય મેળો યોજાયો; 200થી વધારે સ્ટોલ ઉભા કરાયા

કપડવંજ21 દિવસ પહેલા

કપડવંજ શહેરથી આશરે પાંચ કિલોમીટર દૂર શ્રી મોટા રત્નાકર માતાજી મંદિર અને શહેરની હદમાં આવેલ શ્રી નાના રત્નાકર માતાના મંદિરે દર વર્ષે ભાદરવા સુદ બારસથી ચૌદશ એમ ત્રણ દિવસ સુધી ભવ્ય લોકમેળો ભરાય છે. પરંપરાગત યોજાતા આ મેળાનું અનેરૂ મહત્વ છે. આ મેળાનું ઉદ્ઘાટન કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભી, નગરપાલિકા શાસક પક્ષના નેતા નિમેષ જામ, કપડવંજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ચેરમેન પ્રતાપસિંહ પરમાર, સરપંચ કિરણસિંહ પરમાર, ચીમનભાઈ વગેરેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

મેળામાં 200 કરતાં વધારે સ્ટોલ બનાવવામાં આવ્યા
આ મેળામાં સમગ્ર કપડવંજ શહેર તાલુકો તેમજ પાડોશી જિલ્લાઓ જેવા કે મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ, અમદાવાદ સહિતના અન્ય જિલ્લાના તાલુકાઓની જનતા વિશાળ સંખ્યામાં ભાગ લઈને મેળાની મજા માણે છે. ગામના અગ્રણીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે અહીં 200 કરતાં વધારે સ્ટોલ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત, પાર્કિંગ અને લોકોની સલામતી માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દર્શનાર્થે અને મેળામાં લોકોને કોઈ તકલીફ કે અગવડ ના પડે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

સમડીના થડ પાસેથી માતાજીની મૂર્તિ મળી હતી
સાલોડ ગામના સરપંચ કિરણસિંહ પરમારે જણાવ્યું હતું કે, સાલોડ ગામના દિપાભાઈ ભવાનભાઈને સ્વપ્નું આવ્યું હતું કે, સમડીના થડ પાસે ખાડો કરજે અને ત્યાં માતાજીની મૂર્તિ મળશે. ત્યાં રત્નાગીરી માતાજીની મૂર્તિ મળી હતી. ઉપરાંત, વર્ષો પહેલાં કાંગરિયો રોગ આવેલો જેને હાલ (પ્લેગ) કહેવામાં આવે છે. ત્યારે ગામ અને આજુબાજુના વિસ્તારના લોકોએ બારસ, તેરસ અને ચૌદશની માનતા રાખેલી. અને આ રોગમાંથી મુક્ત થયેલા. ત્યારથી આ મેળો ભરાવાની શરૂઆત થઈ. હાલ તેની યાદમાં ચૌદશની રાત્રે એટલે કે પૂનમની સવારે સાલોડ ગામના વડાઓ આવે અને બધા દ્વારા ભેગા મળી મેળાની પુર્ણાહૂતિ કરવામાં આવે છે.

બે જોગણીઓની પ્રતિમાઓ સ્વયંભુ પ્રગટેલી હોવાનું માનવામાં આવે છે
આ ઉપરાંત લોકસંગીત અને ભાતીગળ સંસ્કૃતિમાંથી લુપ્ત થતી જતી ભવાઈના મનોરંજન તેમ જ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. જે અત્યંત લોકભાગ્ય થતા જાય છે. તેમ જ મોટા ચોકમાં મેળાના દિવસો દરમિયાન હવન થાય છે. લોકોના રહેવા માટે ઉતારાની અને જમવાની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવે છે. શ્રી મોટા રત્નાકર માતાના મંદિરની દક્ષિણ તેમજ ઉત્તરે ચોતરાઓ છે કે જ્યાં તુલસી ક્યારો અને શ્રી બજરંગની ડેરી પણ આવેલી છે. માતાજીની પ્રતિમા પાસે બે જોગણીઓની પ્રતિમાઓ સ્વયંભુ પ્રગટેલી હોવાનું માનવામાં આવે છે.

કોરોનાકાળના બે વર્ષમાં મેળો બંધ રહ્યા બાદ હવે આજે મેળાની શરૂઆત થતા લાખો લોકો માતાજીના દર્શનનો લાભ લેવા સાથે મેળામાં ચગડોળ, રાઇડ્સ અને ખાણીપીણીની મોજ માંણશે. મેળામાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગ્રામ પંચાયત અને પોલીસ દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...