ગણપતિ બાપ્પા મોરિયા:કપડવંજમાં વાત્રક નદીના કિનારે ધામધૂમથી બાપ્પાનું વિસર્જન, ભક્તોએ ડૂબકી લગાવી ન્હાવાની મજા માણી

કપડવંજ20 દિવસ પહેલા

કપડવંજ તાલુકાના તેલનાર પાસે આવેલ કેદારેશ્વર મહાદેવ પાસે વાત્રક નદીના કિનારે હજારોની સંખ્યામાં લોકો હર્ષોલ્લાસપૂર્વક ગણેશજીના વિસર્જનમાં ઉમટ્યા. સમગ્ર કપડવંજ પંથકમાં ગણેશચતુર્થી પર્વની હર્ષોલ્લાસ પૂર્ણ ઉજવણી થઈ. ગણેશજીની સ્થાપના બાદ ભક્તિભાવ પૂર્વક પૂજા-અર્ચના અને આરતી વંદના ઉપરાંત ઠેર-ઠેર પંડાલ ઉભા કરવામાં આવ્યાં હતા. ત્યાં અનેકવિધ મંડળ કે ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા.

આજરોજ તાલુકાના ઘણા બધા મંડળો દ્વારા તેલનાર પાસે વાત્રક નદીના કિનારે વિસર્જન કરવા માનવ મહેરામણ ઉમટ્યું હતું. અમદાવાદ, દહેગામ, સાબરકાંઠા તથા કપડવંજ તાલુકાના ગામોમાં સ્થાપિત કરેલ ગણેશજીને વિસર્જન કરવા વાત્રક નદી કિનારે લોકોની ભીડ ઉમટી હતી. બાયડના અનેક ગામો, દહેગામમાંથી તેમજ કપડવંજ તાલુકાના મોટીઝેર, આબવેલ ,લાલપુર, નારના મુવાડા સહિતના અનેક ગામોના ગણેશજીને આજે પાંચ દિવસ પૂરા થતાં વિસર્જન કરવા માટે વાત્રક નદીના કિનારે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. તો ગણપતિ વિસર્જન કર્યા બાદ ભાવિ ભક્તોએ વાત્રક નદીમાં ડૂબકી લગાવી ન્હાવાની પણ મજા માણી હતી.

કેદારેશ્વર મહાદેવના ટ્રસ્ટી પંકજભાઇ પંચાલે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ ખેડા જિલ્લાની નજીકના અમદાવાદ, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના અનેક ભાવિક ભક્તો ગણેશજીના વિસર્જન કરવા આવતા. કેદારેશ્વર ખાતે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત, સમગ્ર વાતાવરણ ગણપતિ બાપ્પા મોરિયાના જયનાદથી ગુંજી ઉઠ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...