દિવાળી ઉજવવા લોકોમાં ભારે ઉત્સાહ:કપડવંજ શહેરમાં દિવાળી નજીક આવતા જ ખરીદી માટે ભીડ જામી; વ્યાપારીઓ ખુશખુશાલ; નાણાં ઉપાડવા ATM સેન્ટરમાં પણ લાઈનો

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીના તહેવાર આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે છેલ્લા બે વર્ષમાં કોરોનાના કારણે હિંદુ ધર્મના મોટામાં મોટા તહેવાર દિવાળીને લોકો સારી રીતે ઉજવી શક્યા નહોતા. જ્યારે આ વર્ષે દિવાળી ઉજવવા લોકો તલપાપડ હોય એમ આગોતરા આયોજન કરતા જોવા મળી રહ્યા છે. નવા કપડાં, મીઠાઈ, ફરસાણ કે અન્ય ભેટ સ્વરૂપે આપવા જેવી વસ્તુઓનું અત્યારથી આયોજન કે બંદોબસ્ત કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે, કપડવંજના બજારોમાં વિવિધ ખરીદી માટે ગ્રાહકોની ભારે ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

બજારોમાં વિવિધ ખરીદી માટે ગ્રાહકોની ભારે ભીડ
શહેરના કાપડ બજાર, કુંડવાવ, ગાંધી બાવલા, નટરાજ સિનેમા રોડ, જે.બી. હોસ્પિટલ રોડ, મીના બજાર, તથા એસ.ટી. સ્ટેન્ડ આગળ સહિત અનેક વિસ્તારોમાં હાલ દિવાળીની ખરીદી માટે મોટી ભીડ જામેલી જોવા મળી છે. દિવાળીમાં ગરીબ,મધ્યમવર્ગ કે ધનિક સહુ કોઈ કપડાં, પગરખાં ઉપરાંત ઈલેક્ટ્રોનિક્સ આઈટમો સોના-ચાંદી ખરીદી કરતા જોવા મળ્યા છે. તો બીજી બાજુ, આજે પુષ્ય નક્ષત્રના શુભ દિવસે સોના-ચાંદીના ઘરેણાં ખરીદવા પણ બજારમાં ભીડ જોવા મળી હતી. તો નાણાં ઉપાડવા માટે ATM સેન્ટરમાં પણ લાઈનો જોવા મળી હતી.

નાણાં ઉપાડવા માટે ATM સેન્ટરમાં પણ લાઈનો
સરકારી કર્મચારીઓના પગાર થઈ ગયા પછી અને ગામડામાં દૂધ મંડળીના બોનસ ચૂકવ્યા પછી બજારમાં ખરીદી માટે માનવ મહેરામણ ઉમટી પડે છે. ફરસાણ, મીઠાઈની સાથે સાથે લારી-ગલ્લાવાળા અને પાથરણાં વાળા ફૂલહાર, દીવડાં, ઝુમ્મર, તોરણ, રંગોળી,સ્ટીકર, લાકડાં, મેટલ, સીરામીક, હસ્તકલાની આઈટમો અને ઘર સજાવટની વસ્તુઓ વેચતા નાના વેપારીઓને ત્યાં પણ ખરીદી માટે બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરના વેપારીઓના જણાવ્યા અનુસાર, દિવાળી સુધી બજારમાં આવી તેજી જળવાઈ રહેશે.

અન્ય સમાચારો પણ છે...