અધિકારીને લાલચ ભારે પડી:કપડવંજના જુનિયર ક્લાર્કની ફરિયાદ આધારે ACBએ છટકું ગોઠવ્યું; ઓડીટ માટે 1,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

કપડવંજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ તાલુકાના દાણા ગામની સરદાર પટેલ હાઇસ્કુલના જુનિયર ક્લાર્ક પાસેથી ગાંધીનગરની કમિશનર શાળાઓની કચેરીના સિનિયર ક્લાર્ક કમ જુનિયર ઓડિટરે વર્ગ દીઠ ઓડીટ કરવાના રૂપિયા 500 લેખે ₹1,000ની માંગણી કરતા ACBએ લાંચની રકમ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

સમગ્ર બનાવની વિગત એવી છે કે, ફરિયાદી વિજયભાઈ ભીખાભાઈ પટેલ જેઓ કપડવંજ તાલુકાના દાણા, જી.ખેડા ખાતે આવેલ સરદાર પટેલ વિધાલય હાઇસ્કુલમાં જુનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. જેઓની સ્કુલમાં ધોરણ- 9 તથા 10ના કુલ-02 વર્ગો આવેલ છે. બિનસરકારી માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક તથા ઉત્તર બુનિયાદી શાળાઓના 2019-20ના વર્ષના ખાતાકીય હિસાબી ઓડીટ માટે કમિશ્નર શાળાઓની કચેરી, ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી ઓડીટ તપાસણી કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ હતો. જે અનુસંધાને ઉપરોક્ત કચેરીએથી આવતા ઓડીટ અધિકારીઓ એક વર્ગ દીઠ રૂ. 500 /- લાંચ પેટે માંગતા ફરિયાદી વિજયભાઈએ આરોપી સાથે ઓડીટ કરાવવા માટે વાતચીત કરતાં સ્કુલનું 2019-20નું સરળતાથી ઓડીટ કરવા માટે અને ઓડીટમાં વાંધો નહિ કાઢવા માટે વર્ગ દીઠ રૂ.500 /- લેખે 2 વર્ગના કુલ રૂ.1,000/- લાંચની રકમ આપવાનું નક્કી કર્યું હતું.

જે લાંચની રકમ ફરિયાદી વિજયભાઈ આપવા માંગતા ન હોય. ત્યારે ખેડા ACB પોલીસ સ્ટેશન નડિયાદનો સંપર્ક કરી ફરિયાદ આપતાં આજ રોજ ડાકોર ખાતે ઉત્તર બુનિયાદી હાઇસ્કુલ પ્રાર્થનાખંડમાં લાંચનું છટકુ ગોઠવ્યુ હતું. અને એ સમયે આરોપીએ પંચની રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી રૂ. 1,000 /- લાંચ પેટે સ્વીકારી હતી. એજ સમયે પકડાઇ જતાં ગુનો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. ઉપરોક્ત, આરોપી ગટોરભાઈ ભીખાભાઈ બારૈયા સિનિયર ક્લાર્ક કમ જુનિયર ઓડિટર કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર અને ACBએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...