વરસાદની ધૂઆંધાર બેટીંગ:કપડવંજના કાવઠ, ફતેપુરા વિસ્તારમાં અંદાજીત દોઢ ઇંચ વરસાદ ખાબક્યો, ખેડૂતોમાં ખુશીની લહેર

કપડવંજ3 દિવસ પહેલા
  • લાંબા વિરામ બાદ ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ
  • કપડવંજના કાવઠ, ફતેપુરા વાંટા, ઘઉંઆ સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદ ખાબક્યો
  • ચાર વાગ્યાથી લઈ સાડા પાંચ વાગ્યા સુધી વરસાદ પડ્યો

આજ રોજ સવારે 10 વાગ્યાથી લઈ બપોર સુધીમાં કપડવંજ વિસ્તારમાં 3 ઇંચ વરસાદ પડતાં જ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. જ્યારે તે સમયમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નહિવત પડતા સૌ કોઈ અચંબામાં હતા. ત્યારે બપોર પછીના સમયમાં વાદળ છાયા વાતાવરણમાં પણ સહેજ ઉકળાટ અને બફારો જણાતો હતો. તેવામાં ચાર વાગ્યાની આસપાસ વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. જેમાં, કપડવંજના કાવઠ, ફતેપુરા, ઘઉંઆ, ભૂતિયા સહિત આજુબાજુના ગામોમાં ચાર વાગ્યાથી લઈ સાડા પાંચ વાગ્યા સુધી વરસાદ એકાદ કલાક વરસ્યો હતો.

ખેડૂતોમાં ખુશીનો માહોલ
અચાનક શરૂ થયેલ આ વરસાદના પગલે ક્યાંક ઢોર ચરવાતાં પશુપાલકો તેમજ રાહદારીઓને ભીંજાવાનો વારો આવ્યો હતો. તો બીજી બાજુ ચોમાસું પાક અર્થે ખેતરમાં કામ કરતા ખેડૂતો વરસાદ શરૂ થતાં જ ઘર તરફ જતાં જ પલળી ગયા હતા. લાંબા વિરામ બાદ વરસાદ પડતાં ગ્રામ્ય વિસ્તારમાં પડેલ આ વરસાદ ખેતી માટે ફાયદાકારક હોવાનું ખેડૂતોએ જણાવેલ છે. જ્યારે નજીકના કેટલાક વિસ્તારના ગામોમાં ક્યાંક પંદર મિનિટ કે અડધા કલાક સુધી વરસાદ પડ્યો હોવાનું જાણવા મળે છે. તો બીજી બાજુ, વરસાદી વાતાવરણ બનતાં આવનાર સમયમાં પણ વધુ માત્રામાં વરસાદ પડી શકે એવું લોકો અનુમાન લગાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...