પાટીદાર પરિવારનો 'તાળાપ્રેમ':100 વર્ષ પહેલાં ગામમાં ચોરી થઈ ને શરૂ થયો અનોખો સંગ્રહ; આજે 3500 તાળાનું કલેક્શન, એકનું વજન તો એક માણસ જેટલું

કપડવંજ23 દિવસ પહેલા

આમ તો આપણે અવાર-નવાર ઘણા બધા લોકોના અવનવા શોખ જોતા હોઈએ છીએ. પણ આજે આપણે વાત કરી રહ્યા છીએ કપડવંજના જલોયા ગામ નજીક આવેલા હમીરપુરા ગામની. કપડવંજથી 10 કિમી દૂર ખોબા જેવડા આ ગામમાં અંદાજે 100 વર્ષ પહેલાં ચોરી થઈ હતી. ચોરી થયેલા ઘરમાંથી વસ્તુઓ તો ગઈ પણ માટલામાં મૂકેલું ઘી ઢોળાયું. એ વાતથી હમીરપુરા ગામના પાટીદાર સમાજના ગોપાલભાઈ કાનાભાઈ પટેલને બહુ લાગી આવ્યું અને તેમણે વિચાર્યું કે જો આ ઘરના કમાડને આજે તાળું લગાવ્યું હોત તો આ નોબત ના આવતી. એ પછી તેઓ ખંભાતથી એક તાળું લઈ આવ્યા. પછી તો શું? એમના મનમાં જાગ્યો તાળાં ભેગાં કે સંગ્રહ કરવાનો વિચાર. પછી તો સમય જતાં આ વિચાર શોખમાં પરિણમ્યો. જેથી એ સમયે એમણે અલગ અલગ રાજ્ય અને દેશ-વિદેશનાં 300 જેટલાં તાળાંનો સંગ્રહ કર્યો.

3 પેઢીથી પાટીદાર પરિવાર તાળાંનો સંગ્રહ કરતો આવે છે
3 પેઢીથી પાટીદાર પરિવાર તાળાંનો સંગ્રહ કરતો આવે છે

3500 કરતાં વધારે ઐતિહાસિક તાળાંનો સંગ્રહ
ગોપાલભાઈ કાનાભાઈના પુત્ર વ્યવસાયે મૂળ ખેતીનું કામ કરતા ધર્માભાઈ અને તેમનો 20 જણાનો પરિવાર આજે પણ સંયુક્ત કુટુંબમાં રહી સમાજને આદર્શ પરિવારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તેમાં ધર્માભાઈ તો પિતાના પ્રેમ અને તેમના શોખને આગળ વધારવા ખેતીમાંથી મળતી આવક પણ વિવિધ પ્રકારના તાળા સંગ્રહ કરવામાં વાપરતા રહ્યા. આ સાથે પોતાનું જીવનમાં પણ તાળાં સંગ્રહ કરવામાં લગાવી દીધું. જેના પરિણામે આજે તેમની પાસે નાનામાં નાના એક ઇંચના તાળાથી લઈને ત્રણ ગ્રામથી લઈને આજે 43 કિલો સુધીના વજનનાં 3500 કરતાં વધારે ઐતિહાસિક તાળાંનો સંગ્રહ છે. જેમાં કહી શકાય કે આખા વિશ્વમાં આવો અનોખો સંગ્રહ ક્યાંય જડે એમ નથી.

ગામમાં ચોરી થઈ અને તાળાંનો સંગ્રહ કરવાની શરૂઆત થઈ
ગામમાં ચોરી થઈ અને તાળાંનો સંગ્રહ કરવાની શરૂઆત થઈ

200 વર્ષ જૂની દુર્લભ વસ્તુઓનો પણ સંગ્રહ કર્યો છે
ધર્માભાઈના ઘરમાં પ્રવેશતાં અનેક એન્ટિક વસ્તુઓ નજરે ચડે જેમાં, ઉપરના માળે ચાર રૂમ ખીચોખીચ તાળાંથી ભરેલા છે. 'તાળું વિશ્વાસનું પ્રતીક છે.' એ બહુ મોટા અક્ષરે તેમના ઘરમાં તાળાં ગોઠવીને જ લખ્યું છે. ધર્માભાઈના પુત્ર વિમલભાઈ જણાવે છે કે, "જ્યારે દેશમાં કોવિડ 19 આવ્યો ત્યારે આપણે પણ દેશને તાળું લગાવવું પડ્યું (લૉકડાઉન). પરિણામે મોટે ભાગે લોકો સુરક્ષિત રહ્યા. પોતાનું ઘર, વાહન કે મોબાઈલ એને તાળું કે લૉક લગાવીએ છીએ. એનો મતલબ કે આપણને તાળા પર સૌથી વધુ ભરોસો કે વિશ્વાસ છે. એટલે તાળાને વિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે."

ઘડિયાળ, જર્મન પંખા, ફાનસ અને અન્ય દુર્લભ વસ્તુઓનો પણ સંગ્રહ કર્યો
હાલ તેમની પાસે તાળાં ઉપરાંત, કળશ, 150થી 200 વર્ષ જૂના ઐતિહાસિક દુર્લભ પેઈન્ટિંગ, કીટલીઓ, 2થી 5 ફૂટની દીવાલ ઘડિયાળ, જર્મન પંખા, ફાનસ અને અન્ય દુર્લભ વસ્તુઓનો સંગ્રહ છે. જે જોનારા માટે એક નવાઈનો વિષય થઈ જાય. ધર્માભાઇ પાસે 3500થી વધારે પ્રાચીન તાળાઓનો સંગ્રહ છે, જે તમામ ચાલું અવસ્થામાં છે. જેમાં ઘણાં તાળાં અઢીસો કે 300 વર્ષ જૂનાં છે. આ પરિવારે આશરે 100 એક વર્ષથી તાળાઓનો સંગ્રહ કર્યો છે. જેમાં દેશના રાજસ્થાન, હૈદરાબાદ, પંજાબ તથા ગુજરાતના ખંભાતથી વિશિષ્ટ પ્રાચીન તાળાઓનો સંગ્રહ કર્યો છે. તો ઘણાં બધાં તાળાં એવાં છે, જે જર્મની, ઓસ્ટ્રેલિયા, અમેરિકા વગેરે દેશનાં છે.

43 કિલોનું આ તાળું ખોલવા 9 ચાવીની જરૂર પડે છે
43 કિલોનું આ તાળું ખોલવા 9 ચાવીની જરૂર પડે છે

43 કિલોનું તાળું ખભે મૂકી ઘરે લઈ આવ્યા હતા
આ સમગ્ર તાળાઓમાં ખાસ કરીને જર્મનીનાં સાતસો જેટલાં તાળાઓનો સમાવેશ છે. જેમાં એક તાળું એવું છે જેનું વજન એક માણસ જેટલું છે. 43 કિલો વજનવાળા આ તાળાની 8 ચાવીઓ છે અને તેની એક માસ્ટર ચાવી તાળામાં લગાવાયેલી છે. આ તાળામાં આઠ જેટલી ચાવીઓ ક્રમ અનુસાર ફેરવીએ ત્યારબાદ નવમી ચાવી જે તાળામાં લગાવીએ તો જ આ તાળું ખૂલે છે. આ તાળું ગોપાલભાઈ પટેલ રાજસ્થાનથી લાવ્યા હતા. તેનો પણ એક અનેરો ઇતિહાસ છે.

3500 કરતાં વધારે ઐતિહાસિક તાળાનો સંગ્રહ
3500 કરતાં વધારે ઐતિહાસિક તાળાનો સંગ્રહ

સિલ્વર, ગોલ્ડ જેવી ધાતુઓની મીનાકારી કરેલાં તાળાઓ પણ છે
આ અંગે ધર્માભાઈ જણાવે છે કે, પહેલાંના જમાનામાં પરિવહન માટે સારી સુવિધા નહોતી. તે સમયે રાજસ્થાનથી કપડવંજ તાળાં લઈને આવ્યા હતા. કપડવંજથી 10 કિલોમીટર સુધી પોતાના વતન હમીરપુરા સુધી તેઓ આ તાળાને ખભે મૂકી અને લઈને આવ્યા હતા. જેનાથી આપણે જોઈ શકીએ છીએ કે તેમનો તાળા પ્રત્યેનો પ્રેમ અને તેના સંગ્રહનો કેવો અનેરો શોખ છે. આ ઉપરાંત સંગ્રહાલયમાં ઘણાં બધાં તાળાં એવાં છે જે અદ્દભુત છે. જેમાં, મીનાકારી તાળા, સિલ્વર, ગોલ્ડ જેવી ધાતુઓની મીનાકારી કરેલાં તાળાઓ પણ છે.

સંગ્રહમાં એક ઇંચથી લઈને ત્રણ ગ્રામ અને એક માણસના વજન જેટલું તાળું પણ છે
સંગ્રહમાં એક ઇંચથી લઈને ત્રણ ગ્રામ અને એક માણસના વજન જેટલું તાળું પણ છે

સંગ્રહમાંનું એક તાળું ભારતના નકશાવાળું છે
એમણે ધરમપુરના રજવાડાઓ પાસેથી આવા મીનાકારી કરેલાં તાળાઓ ખરીદીને પોતાના સંગ્રહમાં રાખ્યાં છે. અન્ય એક તાળું કે જે ભારતના નકશાવાળું છે. બંદૂક આકારનું તાળું, બટન તાળું, એલાર્મવાળું તથા ચાંદીનું તાળું, સોનાના વરખ સાથેનું તાળું, સંદૂક તાળા જેમાં 20, 19, 18 કિલો વજનનાં બે ચાવીથી ખૂલતાં તાળાં તથા 28 કિલો વજનનું તાળું, અઢી ચાવીથી ખૂલતું તાળું તેમજ ખંભાતી તાળાઓનો ખજાનો તેમની પાસે હયાત છે. તાળા વિશેની આ વાતો પાટીદાર પરિવાર પાસેથી સાંભળીએ તો આપણા મોઢે જ તાળા વાગી જાય એ નક્કી છે!!

આ તાળું ભારતના નકશા આકારનું છે
આ તાળું ભારતના નકશા આકારનું છે

રતન ટાટાને આપવી છે 150 વર્ષ જૂની પેઈન્ટિંગની ગિફ્ટ
તાળા અને કળશ ઉપરાંત, તેમની પાસે જૂના જમાનાનાં ખાસ ચિત્રો છે. જેમાં એક ચિત્રમાં નામદાર સર જમશેદજી જીજીભાઈ નાઈટ (પહેલાં બારોનેટ) જેમનો જન્મ ઇ.સ. 1783 અને મરણ તારીખ 14/4/1859 લખેલું છે. આ ચિત્ર અંદાજે 150 વર્ષ કરતાં પણ વધારે જૂનું હોવાનું માનવામાં આવે છે. ધર્માંભાઈના પુત્ર વિમલભાઈના જણાવ્યા અનુસાર આ પેઇન્ટિંગ શીશા પેનથી બનેલું છે અને હાલના ટાટા કંપનીના માલિક રતનજી તાતા એમના વંશજ છે. આ પેઇન્ટિંગ એમને ભેટ આપવા માટે અમારા પરિવાર તરફથી ઘણા પ્રયાસ કરવામાં આવ્યા, પણ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. જો એમના સુધી આ વાત પહોંચે તો અમારે આ ચિત્ર તેમને ભેટ આપવું છે.

2 ફૂટથી લઈ 5 ફૂટ સુધીની ઘડિયાળનું કલેક્શન
અંદાજે 150 વર્ષ કરતાં વધુ જૂનાં આ ચિત્રો પૈકીનું એક ચિત્ર ઊંઝા ધામના મા ઉમિયાનું પણ છે. જે લીથો પ્રિન્ટનું બનેલું છે. જે દીવાલ ઉપર લગાવેલું છે. જે ઘરમાં પ્રવેશતાં જ મા ઉમાનાં દર્શન થાય છે. ઉપરાંત ઘડિયાળના સંગ્રહમાં 2 ફૂટથી લઈ 5 ફૂટ સુધીની ઘડિયાળ પણ છે. જે આજે પણ ચાલુ અવસ્થામાં છે અને સમયાંતરે વાગતા તેના ટકોરા આજે પણ ગોપાલભાઈ પટેલ અને તેમના પુત્ર ધર્માભાઈની અને તેમના અનોખા શોખની સાક્ષી પૂરે છે.

ઘડિયાળ, જર્મન પંખા, ફાનસ અને અન્ય દુર્લભ વસ્તુઓનો પણ સંગ્રહ કર્યો
ઘડિયાળ, જર્મન પંખા, ફાનસ અને અન્ય દુર્લભ વસ્તુઓનો પણ સંગ્રહ કર્યો
અન્ય સમાચારો પણ છે...