શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક:કપડવંજના આંત્રોલી હાઈસ્કૂલના શિક્ષકને જિલ્લા સ્તરે શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન મળ્યું

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર ભારતમાં ગઈકાલે શિક્ષક દિવસ ઉજવાઈ ગયો. જેમાં ખેડા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોના પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં કપડવંજના આંત્રોલી હાઈસ્કૂલના શિક્ષક માધવસિંહ ગઢવીને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

માધવસિંહ ગઢવી આંત્રોલી ગ્રામ વિકાસ કેળવણી મંડળ સંચાલિત એન.એમ.પટેલ હાઈસ્કૂલ આંત્રોલી ખાતે છેલ્લા વીસ વર્ષથી ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે ખેડા જિલ્લામાં ગુજરાતી વિષયના આર.પી., કે.આર.પી(વિષય તજજ્ઞ) તરીકે ફરજ બજાવીને જિલ્લાના ભાષા શિક્ષકો માટે ભાષા સજજતા માટે પણ વર્ષો સુધી કામ કર્યું છે. તેઓ શાળામાં વિદ્યાર્થીઓ સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરાવીને તેમની સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરવાનું અદકેરું કામ કરે છે. ભાષાના એક સારા શિક્ષકની સાથે તેઓ એક સારા વાર્તાકાર પણ છે. તેમનું એક પુસ્તક 'મારા સમણે ઊગેલ વાતો' સાહિત્ય અકાદમીના આર્થિક સહયોગ થકી પ્રગટ થયેલ છે. જેને સાહિત્ય જગતે ઉમળકા સાથે વધાવ્યું છે. તેઓએ ખેડા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ યોજાતાં કવિ સંમેલનોમાં ભાગ લઈ પોતાની આગવી પ્રતિભાનો પરિચય આપ્યો છે. તેઓને કવિ રાજેન્દ્ર શાહના સ્મૃતિમાં ઉજવાતા 'poem of the year' માં પણ પુરસ્કૃત કરવામાં આવ્યા છે. ખેડા- આણંદ જિલ્લાના માધ્યમિક શિક્ષકો માટે યોજાતી પૂજ્ય મોટા કેન્દ્ર - સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધામાં પણ તેઓ પ્રથમ ક્રમાંકે વિજેતા રહ્યા હતા. ઉપરાંત માધ્યમિક શિક્ષણ બોર્ડની ગોપનીય કામગીરી હોય કે સર્વ શિક્ષા ગાંધીનગર ખાતે દરેક કામગીરીમાં વિષય તજજ્ઞ તરીકે પોતાની ઉત્કૃષ્ટ સેવા આપી રહ્યા છે.

તેઓ દ્વારા સામાજિક ભેદભાવ વગર કોઈ પણ જાહેર કાર્યક્રમોમાં એક સારા ઉદઘોષક તરીકે પણ વર્ષોથી સેવા આપે છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજ સાથે જીવંત સંપર્ક રાખી દરેકના હૃદયમાં તેમના પ્રત્યે માન - સન્માનની લાગણી ઉભી કરનાર એક શિક્ષકને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન આપીને પસંદગી સમિતિએ એવોર્ડ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...