કૌભાંડ:બજારની સસ્તી ડાંગર ખરીદી સરકારી ભાવે વેચવાનું કૌભાંડ

કપડવંજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપડવંજમાં ટેકાના ભાવે થતી ડાંગરની ખરીદીમાં ગેરરીતિ થયાની ફરિયાદ
  • ડાંગરનો બજારમાં રૂા. 300નો ભાવ, સરકારી ગોડાઉનમાં રૂા. 408ના ભાવે ખરીદી

ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ડાંગરનો મહત્તમ ભાવ નક્કી કરી ખરીદી શરૂ કરવામાં આવી છે. જે મુજબ કપડવંજ શહેરમાં ખાનગી ગોડાઉન ભાડે રાખી પુરવઠા નિગમ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે. અહીં ખેડૂતોની ડાંગરની ખરીદી અને તેમને પોષણક્ષમ ભાવ મળી રહે તેની સંપૂર્ણ જવાબદારી પુરવઠા ગોડાઉન મેનેજર સંભાળી રહ્યા છે. પરંતુ તેમની જ રહેમ નજર હેઠળ બજારમાંથી સસ્તા ભાવની ડાંગર ખરીદી સરકારી ભાવે વેચાણ કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે.

તાલુકાના 314 ખેડૂતોએ ચાલુ વર્ષે ડાંગરનું સરકારના ટેકાના ભાવે વેચાણ કરવા ઓનલાઇન અરજી કરેલી છે. જેમાંથી અત્યાર સુધી ફક્ત 85 જેટલા ખેડૂતોએ પોતાની ડાંગર ટેકાના ભાવે વેચી છે. હાલ ખાનગી દુકાનોમાં ડાંગરનો ભાવ રૂ.310 થી 350 પ્રતિ મણ છે. જ્યારે સરકાર ખેડૂતોની ડાંગર ટેના ભાવે એટલે કે રૂ. 408 પ્રતિ મણ ખરીદી રહી છે.

ટેકાના ભાવે ડાંગર વેચવા માટે ખેડુતોએ એડવાન્સમાં રજીસ્ટ્રેશન કરાવવાના હોય છે. પરંતુ કેટલાક શંકાસ્પદ ઇસમોએ તલાટીઓના ખોટા દાખલાને આધારે રજિસ્ટ્રેશન કરાવી બજારમાંથી સસ્તા ભાવની ડાંગર લાવી સરકારી ટેકાના ભાવની ખરીદીમાં વેચાણ કરાતા હોવાની ફરિયાદ ઉઠી છે. આ ઇસમો પ્રિત મણ રૂ.60 થી 100 બારોબાર કમિશન રળી રહ્યા છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ખરીદી અંગેના તમામ ડોક્યુમેન્ટ અને માલ વેચનાર ખેડુતોની તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.

ગોડાઉન મેનેજરે કહ્યુ, હું 2 મિનિટમાં ફોન કરું
સમગ્ર બાબતે ગોડાઉન મેનેજર દિપલબેન કા.પટેલનો સંપર્ક કરતા તેઓ યોગ્ય જવાબ આપી શક્યા ન હતા અને 2 મિનિટમાં ફોન કરવાનું કહી બચવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...