દાદાની વિદાયથી ભક્તો ભાવુક:કપડવંજમાં સાર્વજનિક ગણેશ વિસર્જનની શોભાયાત્રા નીકળી; બપોર પછી સ્વયંભૂ બજાર બંધ રહ્યું

કપડવંજએક મહિનો પહેલા

કપડવંજ શહેરમાંથી આજે બપોરના 2 વાગ્યા પછી ભવ્ય વિસર્જન શોભાયાત્રા નીકળી હતી. જેમાં નગરજનોએ દાદાને વિદાયમાન કરી ભાવુક બન્યા હતા. આજે વિસર્જન શોભાયાત્રાને લઈને કપડવંજ શહેરમાં બપોર પછી બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા. 32 કોઠાની વાવ સાર્વજનિક ગણેશોત્સવ, મંગલમૂર્તિ ગણેશોત્સવ લાંબીશેરી, અમથા પારેખની ખડકી શિવનેરી ગણેશ ઉત્સવ, લોકમાન્ય તિલક ગણેશોત્સવ ધોળીકુઈ, કાઠીયાવાડ ગણેશ યુવક મંડળ ગણેશ ઉત્સવ, ગોલવાડ ગણેશ ઉત્સવ, નાની રત્નાગર માતા રોડ ગણેશ યુવક મંડળ શિલ્પા સોસાયટી બહાર ગણેશઉત્સવ, એવા શહેરના વિવિધ પંડાલોમાંથી ગણેશજીની વિસર્જન શોભાયાત્રા નીકળી હતી.

શોભાયાત્રામાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ હતો. કપડવંજ શહેરના રાજમાર્ગો જેવા કે 32 કોઠાની વાવથી લાંબી શેરી, હોળી ચકલા, કડીયાવાડ મસ્જિદ, કાપડ બજાર, કુંડવાવ, વહોરવાડના નાકે, આઝાદ ચોક, ગોલવાડ, ધોળીકુઈ, સુથાર વાડાના ચકલા, અંધારીયાવડ, મીનાબજાર, કુબેરજી મહાદેવ ચોકડી, ત્રિવેણી પાર્ક થી વરાસી નદીના કિનારા સુધીના વિવિધ પંડાલોના ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવવા તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વીસર્જન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રતિવર્ષની જેમ કપડવંજ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયરના જવાનો અને કુશળ તરવૈયાઓ થકી ગણેશજીનું વિસર્જન કરવા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...