મહેશ્વરી સમાજની નવી પહેલ:બેસણાંની સાથે રક્તદાન કેમ્પનું આયોજન, 60થી વધુ મહિલાઓએ પણ રક્તદાન કર્યું

કપડવંજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપડવંજમાં મહિલાઓએ એક અનોખું ઉદાહરણ પુરું પાડ્યું

સર્વ ક્ષેત્રમાં મહિલાઓ હરણફાળ ભરી રહી છે ત્યારે કપડવંજમાં મહિલાઓએ એક અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. જેમાં બેસણાની વિધી દરમિયાન યોજાયેલ રક્તદાન કેમ્પમાં 60 મહિલાઓએ રક્તદાન કરીને સમાજ માટે નવું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. કપડવંજના મહેશ્વરી સમાજના અગ્રણી શાંતાદેવી કિશનલાલ મોહતાનું અવસાન થતા સ્વામિનારાયણ મંદિર હોલમાં બેસણાં-પ્રાર્થના સભાની સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામ-પરગામથી સમાજના અગ્રણીઓએ રક્તદાન-મહાદાન કરીને સ્વ. શાંતાદેવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કેમ્પમાં 111 બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 60 જેટલી મહિલાઓએ રક્તદાન કરીને સમાજમાં નવી પહેલ કરી હતી.મહેશ્વરી સમાજ આયોજિત અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત સી.આર.પરીખ બ્લડ બેંક કપડવંજના સહયોગથી યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં સમાજના અગ્રણીઓ, બ્લડ બેંકના ડો.મનુભાઇ ગઢવી, લેબ.ટેકનિશિયન રાહુલ પરમાર, મેઘા શાહ, ચૈતાલી કા.પટેલ સહિત સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. મોહતા પરિવારે જ્ઞાતિજનોના અને રક્તદાતાઓના પ્રેમ, લાગણી અને હૂંફનો ઋણ સ્વીકાર કરી હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...