પહેલ:15 સરપંચોએ ગામમાં સ્વૈચ્છિક દારૂબંધી લાદી, પોસ્ટર લગાવ્યા

કપડવંજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લઠ્ઠાકાંડ બાદ કપડવંજમાં વ્યસન મુક્તિ ઝુંબેશ

બોટાદમાં સર્જાયેલ લઠ્ઠાકાંડના પડધા સમગ્ર રાજ્યમાં પડેલા જોવા મળ્યા હતા. આ ઘટનામાં થયેલ 50 થી વધુ વ્યક્તિઓના મૃત્યુને કારણે અનેક જિલ્લાના ગામડાઓમાં ગ્રામજનો દ્વારા દારૂબંધી કરવામાં આવી છે. ત્યારે કપડવંજ તાલુકામાં પણ અનેક ગામોમાં સરપંચો તથા ગ્રામજનોએ આ બાબતે જાગૃતિ દાખવી ગામમાં દારૂબંધી લાદી વ્યસન મુક્તિની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં તાલુકાના મોટાભાગના ગામોના સરપંચો દ્વારા ગામમાં દારૂબંધીના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.

પીનાર કે વેચનાર સામે કાયદેસર કાર્યવાહી કરવા ચીમકી
બોટાદ લઠ્ઠાકાંડ બાદ કપડવંજ તાલુકાના અનેક ગામના સરપંચોએ ગામમાં દારૂ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. ઉપરાંત ગામમાં દારૂ લાવવા, પીવા કે વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તથા આવી પ્રવૃત્તિ કરનાર ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ સરપંચોએ જણાવ્યું હતું. તાલુકાના ગામડાઓમાં સરપંચોએ જાતે જઇને દારૂબંધીના પોસ્ટર લગાવીને પ્રચાર પૂરજોશમાં શરૂ કરી ગામને વ્યસન મુક્ત બનાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. ઉપરાંત આ ઝુંબેશમાં તાલુકાના બાકી રહેલા સરપંચો પણ જોડાઇ રહ્યા હોઇ દારૂનો વેપાર કરતા અસામાજિક તત્વો ભૂર્ગભમાં ઉતરી જવા પામ્યા હતા.

બોટાદ પંથકમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ પછી દારૂબંધી બાબતે ગામે ગામ સરપંચો પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને વિવિધ કાર્યો થકી પોતાના ગામને વ્યસન મુક્ત બનાવવાના પ્રયત્ન કરી રહ્યા ત્યારે સરકાર અને પોલીસનો સહયોગ મળે તેવી આશાઓ પણ ગ્રામવાસીઓ સેવી રહ્યા હતા. સરપંચોની ગામને વ્યસનમુક્ત બનાવવાની આ ઝુંબેશની સફળતાનો સંપૂર્ણ આધાર સરકાર અને પોલીસ તરફથી જરૂરી સહકાર મળે તેના પર હોવાનું ગ્રામજનો માની રહ્યા છે.સરપંચો દ્વારા નિરમાલી, સોરણા, ભૂતિયા, કાવઠ, ગરોડ, ભોજાના મુવાડા, મીરાપુર, સુલતાનપુર, વડધરા, ચપટીયા, પારીયાના મુવાડા, ઠુચાલ, આંબલીયારા, શિહોરા સહિત બીજા ઘણા ગામોમાં દારૂ પીવાથી માંડીને વેચાણ પર રોક લગાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...