સમગ્ર દેશ સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી જોરશોરથી કરવાની તૈયારીમાં છે. વિવિધ સરકારી વિભાગ સહિત આમ નાગરિક સોશિયલ મીડિયામાં વિવિધ માધ્યમોમાં રાષ્ટ્ર પ્રેમના સ્ટેટ્સ કે પોસ્ટ સાથે જ દેશની શાન તિરંગાના વ્હોટ્સ એપ સ્ટેટ્સ મૂકી રહ્યા છે. સાથે જ હર ઘર તિરંગાના સંદેશને વધુને વધુ લોકો સુધી પહોચાડવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે, 75મા વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર ભારતમાં આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી અને તેની તૈયારીના ભાગરૂપે કપડવંજ પ્રાંત કચેરી ખાતે, પ્રાંત અધિકારી ધર્મેશ મકવાણાની અધ્યક્ષતામાં મામલતદાર જય પટેલ, તાલુકા વિકાસ અધિકારી સરદારસિંહ નિસરાતા, ચીફ ઓફિસર સાવનકુમાર રતાણીની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઇ હતી.
તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવાની અપીલ
પ્રાંત અધિકારીએ ઉપસ્થિત વિવિધ વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું કે, આગામી 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યના તમામ ઘર, નાની મોટી દુકાનો, વિવિધ ઉદ્યોગ તેમજ વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ વગેરેની તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે. તેમજ તાલુકામાં 12 હજાર રાષ્ટ્ર ધ્વજ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. તેવું જાણવા મળ્યું હતું. આ સાથે જ હર ઘર તિરંગા સાથે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ભવ્યતા સાથે કરવામાં આવશે. તેના કારણે, લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની લાગણી અને ભાવના જાગે તે હેતુથી "હર ઘર તિરંગા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને સહુ સાથે મળી સફળ બનાવે.
આ સાથે, શહેર તાલુકાના તમામ ગામમાં મોટી સંખ્યામાં લોકોને જોડવા અને કાર્યક્રમને સફળ બનાવવા પ્રાંત અધિકારીએ ઉપસ્થિત વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવવા સૂચના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.