સેવાલિયાની મહીસાગર નદીના બ્રિજ પર પડેલા મોટા ભુવાને કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વાહન હંકારતી વેળાએ ખાડાઓને લઇ વાહન પછડાતા પહોંચતા નુકશાનને લઇ ચાલકો પરેશાન થયા હતા. ઉપરાંત રાત્રિના વેળાએ ખાડા દૂરથી ન દેખાતા સ્પીડમાં જતા વાહનોમાં અકસ્માતની ભીતિ સર્જાઇ હતી.
મહીસાગર નદીની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટેનો અવરજવર કરવાના મુ્ખ્ય પરના બ્રીજ પર મસમોટા ખાડા પડી જવાને કારણે વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રોજબરોજ ખાડાઓમાંથી પસાર થવાને કારણે વાહનને પણ નુકશાન પહોંચ્યું હતું. ઉપરાંત રસ્તાની વચ્ચોવચ ખાડાઓ પડી જતા લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજ બનાવતી એજન્સી સામે લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા ખાડાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ હલકી ગુણવત્તાવાળા મટીરીયલ વાપરવાને કારણે ફરી ખાડા પડ્યા હોવાનું રહિશોએ જણાવ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા એજન્સીઓ સામે કડક પગલા ભરી બ્રિજના ખાડાઓનું સમારકામ કરવાની માંગ ઉઠી હતી.
સ્થાનિક રહીશો માવજી ભરવાડે જણાવ્યું હતું કે કામ ધંધા અર્થે મારે દિવસમાં છ થી સાત વાર બ્રિજ પરથી પસાર થવું પડે છે. ખાડામાં વારંવાર મારી બાઇકનો આગળનો ભાગ પછડાતા બાઇકને નુકસાન થયું હતું. લાગતા વળગતા વિભાગ દ્વારા બ્રિજ અને રસ્તાની કામગીરી સરખી થાય તો મારા જેવા ઘણા બધા લોકોને તકલીફ વેઠવી પડે નહી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.