ફાગણી પૂર્ણિમાએ ડાકોરનો અનેરો મહિમા છે. જેને લઇ મોટી સંખ્યામાં ભાવિકો ડાકોર પગપાળા ભગવાનના દર્શને આવે છે. જેની વ્યવસ્થાની જવાબદારી તંત્રના ખભે હોય છે. ત્યારે તંત્રના અણઘડ વહીવટને કારણે રવિવારે ગોમતી તળાવમાં એક યાત્રિક ડૂબી જતા મોત નીપજ્યું હતું. દર વર્ષે ગોમતી ફરતે દોરડા બાંધવામાં અાવતા હતા. પરંતુ અા વખતે દોરડા નહીં બાંધવાની બેદરકારીઅે યુવકે જીવ ગુમાવ્યો હતો. તળાવા પગિથયા પરની લીલ સાફ ન કરાતા યુવકનો પગ લપસ્યો હતો.
ડાકોરમાં ભરાતી ફાગણી પૂનમની તંત્ર દ્વારા એક મહિના પહેલા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા ગામના વેપારીઓ અને આગેવાનો સાથે બેઠક રાખવામાં આવે છે. પરંતુ તેમાં વેપારીઓ અને આગેવાનોના સૂચનો ધ્યાને લેવામાં આવતા નથી. જેને લઇ કોઇ ઘટના બને જવાબદારી કોની તેની ચર્ચાએ ગામમાં જોર પકડ્યું હતું. ગઈકાલે સાંજે ગોમતી તળાવમાં હાથ ધોવા ગયેલ અમદાવાદનો આશાસ્પદ યુવાન ડૂબી જતા તેનું મૃત્યુ નીપજયું હતું.
અમદાવાદના પાલડી-વાસણા વિસ્તારમાં રહેતો 24 વર્ષનો આશાસ્પદ યુવાન સોલંકી નિખિલ પોતાના પાડોસીઓ સાથે ડાકોર દર્શન કરવા આવ્યો હતો. જે ગઈકાલે સાંજે ગોમતી તળાવમા હાથ ધોવા જતા તેનો પગ લપસી જતા તે તળાવમાં ડૂબી ગયો હતો. ત્યારે તેની સાથે આવેલા પાડોસીઓએ બુમાબુમ કરતા પબ્લિક ભેગું થઈ ગયું હતું.
અને નિખિલને તળાવમાંથી બહાર કાઢ્યો હતો અને તેણે પોલીસની ગાડીની મદદથી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. ઘટના સમયે સ્થળ પર લાઇટો ચાલુ ન હતી. ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર કેવલ ભીમાણીના કહેવા પર અંગુર સેવક દ્વારા ઈલેક્ટ્રીસીટીવાળાને બોલાવીને લાઈટ ચાલુ કરાવી હતી. તથા યુવાનને ડાકોર સી.એચ.સી ખસેડતા હાજર ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો. જે બાબતે ડાકોર સી.એચ.સીના સુપ્રીટેન્ડન્ટ અંકિતા ગોસ્વામીએ જણાવ્યું હતું કે નિખિલનુ પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું અને નિખિલના બીજા ઑર્ગન લીધા છે. અને અમદાવાદ વધુ તપાસ માટે મોકલ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.