પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ભરઉનાળે પાણીના પોકાર શરૂ થયા છે. ડાકોરના વોર્ડ નં.4માં આવેલ યમુના પાર્ક સોસાયટી આસપાસના 200 મકાનોમાં નળથી જળ નહી પહોંચતા નગરપાલિકા દ્વારા ટેન્કરથી પાણી આપવાની ફરજ પડી છે. ડાકોર ગામમાં ભાદરવા કુવા પાસે આવેલ નવીનગરી, ગોકુલધામ, યમુના કુંજ સોસાયટી, પ્રણામી મંદિર, સૂર્યનગર, બંસરી સોસાયટી, નવાપુરના રહીશો પાણીની વિકટ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમ છતાં ડાકોરના સત્તાધીશોના આંખે પાટા બાંધ્યા હોય તેવું લાગી રહ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાણી માટે યાત્રાધામો માટે આપવામાં આવે છે. તેમ છતા ડાકોર નગરપાલિકાના સત્તાધિકારી દ્વારા ગ્રાન્ટ ક્યાં વાપરવામાં આવે છે તે સવાલ ઉભા થયા છે. ડાકોર નગરપાલિકા દ્વારા સાંજે છ વાગે પાણી છોડવામાં આવે છે. ત્યારે ફક્ત દસ મિનિટ પાણી આવે છે. અમુક મકાનો તેમજ સોસાયટી વિસ્તારમાં મોટરો દ્વારા પાણી ચાલુ કરી દેવાથી કેટલાક વિસ્તારમાં પાણી મળતા નથી. જેથી કરીને વોર્ડ નં.4માં આવેલી બિરલા પાર્કની ટાંકીનુ પાણી એક કલાક છોડવામાં રાત્રે આવે તેવી માંગ રહીશો દ્વારા કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.