હાલ ડાકોર કપડવંજ રોડ પર બ્રિજની કામગીરી ચાલી રહી છે. જેને લઇને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ માર્ગ પર અવર જવરને લઇ પ્રતિબંધ જાહેર કરાયો હતો. પરંતુ શાળા, એપીએમસી માર્કેટ અને શહેરને જોડતો મુખ્ય માર્ગ હોઇ સ્થાનિક લોકો અને ભારે વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે. જેને કારણે રસ્તો જર્જરીત બન્યો હતો. કલેકટર દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રતિબંધનું પાલન ન થવાને કારણે નવો રસ્તો બની શક્યો ન હતો. જેને કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી.
ડાકોર કપડવંજ હાઇવે પર નવીન બ્રિજનું કામ ચાલુ હોવાથી આ માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવા તથા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટેનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. શહેરમાં જવાનો માર્ગ હોઇ રસ્તા પર પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનો અને વાહન ચાલકો પસાર થતા હોવાને કારણે રસ્તા નવો રસ્તો બની શક્યો ન હતો. જેને કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાની પરિસ્થિતિ ઉભી થઇ હતી. ઉપરાંત રસ્તાનું સમારકામ ન થતા મસમોટા ખાડામાં પાણી ભરાઇ જવાને કારણે રોજબરોજના અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.
ઉપરાંત બ્રિજ માટે ઉભા કરવામાં આવેલા થાંભલાના ખુલ્લા સળિયા વળી જઇ રોડ પર નમી ગયા હતા. જેને લઇ ગંભીર અકસ્માત થવાનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે. આ બાબતે ડાકોર પોલીસ સ્ટેશન અને આર.એન.બી.નો સંપર્ક સાધતા સમગ્ર મામલે એકબીજા પર દોષના ટોપલા નાખતા હોવાનું જાણવા મળ્યું હતું.
માર્કેટ હોવાથી લોકો માનતા નથી
પેટ્રોલપંપ અને એપીએમસી માર્કેટ હોવાથી લોકો માનતા નથી અને આજ રસ્તે અવરજવર કરે છે. જો આરએનબી દ્વારા મેઈન રોડ પર એંગલ કે બોર્ડ મારી દેવામાં આવે તો મોટા વાહનો પસાર ન થાય. હાલ પોલીસ એમનું કામ કરી રહી છે. ટ્રાફિકની સમસ્યાનું પણ સતત નિરાકરણ કરી રહી છે, પરંતુ આ રોડ પર રહેતા લોકો તેમના ધંધા રોજગારને લઈને વાહન લઈને અંદર આવે છે. > કે.ડી.ભીમાણી, પી.આઈ, ડાકોર પોલીસ સ્ટેશન.
વાહનોથી સ્ટ્રક્ચરને નુકસાન થાય છે
અમે અત્યાર સુધી પોલીસ સ્ટેશનમાં ઘણા લેટર લખ્યા છે. વાહન વ્યવહાર બંધ કરવાનું કલેકટરનું ફરમાન હોવા છતાં ગાડી, ટ્રકો તથા બસ પસાર થાય છે. જેને કારણે સ્ટ્રક્ચરને નુકસાન થાય છે. બીજી બાજુ અમે નગર પાલિકાને પણ ઘણી વાર જાણ કરી. પરંતુ તેઓ તેમનું કામ પૂર્ણ કરતા નથી. જેથી ખાડામાં વાહનો પડવાનો ભય રહે છે. પોલીસ અને પાલિકા જો તેમનું કામ પતાવી આપે તો અમે અમારું કામ યોગ્ય રીતે પૂરું કરી શકીએ. > પ્રતીક સોની, ઇજનેર, આર.એન.બી. સ્ટેટ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.