ડાકોર પાલિકાના વોર્ડ નં.7માં ઉભરાતી ગટરના પ્રશ્ને સ્થાનિકો ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. સ્થાનિકોની રજૂઆત છેકે ચાર સોસાયટીની વચ્ચે થી પસાર થતી આ ગટર લાઈન વર્ષો જુની છે. જે વારંવાર ઓવરફ્લો થવાના કારણે ગટરના પાણી રસ્તા પર ફરી વળે છે. ગટરના ગંદા અને બદબુદાર પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિક લોકોનું જીવન દોહ્યલું બની જાય છે.
અગાઉ આ બાબતે નગરપાલિકા માં રજુઆત કરતા માણસો આવીને કામ કરી જાય છે, જે બાજુ થોડા દિવસ યોગ્ય સ્થિતિ રહ્યા બાદ ફરી પાછી સ્થિતિ જૈસે થે બની જતી હોય પાલિકા સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
યાત્રાધામ ડાકોરમાં ગંદકીનો પ્રશ્ન દિવસે દિવસે પેચીદો બની રહ્યો છે. શહેરના ઘણા બધા વિસ્તારોમાં ગંદકીને મુદ્દે લોલોમાં આક્રોશ છે, ત્યારે છેલ્લા છ મહિનાથી ડાકોરની હરેકૃષ્ણ સોસાયટી, ભાવિક સોસાયટી, અને દ્વારકેશ સોસાયટીના રહીશો ઉભરાતી ગટર થી પરેશાન છે. વારંવાર નગર પાલિકામાં આ બાબતની રજૂઆત કરી હોવા છતાં પાલિકા દ્વારા આ પ્રશ્નનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવતા ના છુટકે સોમવારના દિવસે સ્થાનિકો દ્વારા સોસાયટીની બહાર જ ઉપવાસ આંદોલન શરૂ કરી દેવાયા હતા. સ્થાનિકો ઉપવાસ પર બેસી જતા પાલિકા તંત્ર દોડતું થઈ ગયું હતું. અને ચીફ ઓફિસરે બાંહેધરી આપતા રહીશોએ આંદોલન સમેટી લીધું હતું.
બ્રિજની કામગીરી ચાલતી હોય લાઈન દબાઈ જાય છે
ડાકોર મુખ્ય રસ્તા પર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જ્યાં નીચેથી જ પાઇપ લાઈન પસાર થાય છે. ઓવરલોડ વાહનો પસાર થતા હોઈ પાઈપ લાઈન દબાઈ જતી હોઈ આ પ્રશ્ન ઉભો થાય છે. જ્યાં સુધી આ કામ ચાલુ રહેશે ત્યા સુધી નવી પાઈપ લાઈન પણ નાખી શકાય તેમ નથી. જેથી સોમવારના રોજ ઇમરજન્સીમાં પ્રશ્ન સોલ્વ કરાવ્યો છે.> સંજયભાઈ પટેલ, ચીફ ઓફિસર, ડાકોર ન.પા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.