વડોદરામાં 2 ગાયે વૃદ્વાને કચડી મોત નિપજાવ્યુ હતું. ત્યારે અા બનાવ પરથી ધડો ન લેતી ડાકોર પાલિકા પૂનમે અાવતા લાખો પદયાત્રીઅોની સુરક્ષામાં મોટી ચૂંક કરી છે. પદયાત્રીઅો અાવવાના શરૂ થઇ ગયા છે ત્યારે હજી ડાકોરના માર્ગો પર ગાયો છૂટથી ફરી રહી છે. અા ગાય કોઇ પદયાત્રીને અડફેટે લે તેની રાહ પાલિકા જોઇ રહી હોય તેમ લાગી રહ્યુ છે.
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ નિમિત્તે લાખો દર્શને અર્થે દર્શને રાજ્યના ખૂણે ખૂણેથી આવે છે અને ડાકોર નગરપાલિકા દ્વારા ગાયોને હટાવવાની અને સ્વચ્છતા તેમજ રોડનું સમારકામ માત્ર કાગળ પર થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. રસ્તે રખડતી ગાયોને લઇ યાત્રાળુઓમાં ભય જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં આવતા પદયાત્રીઓને ગાય અડફેટે લે ત્યારે જવાબદારી કોની તે નગરમાં ચર્ચાયુ હતુ.
ડાકોરમાં દર વર્ષે પૂનમના દિવસે પાંચ લાખથી વધુ પદયાત્રીઓ ડાકોર રણછોડજીના દર્શને પોતાની શ્રદ્ધા - આસ્થા અને પરિપૂર્ણ કરવા માટે આવે છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા લોકોને સુવિધા મળે તેને લઇ દરેક ઉત્તમ સગવડો પૂનમ પહેલાં કરવામાં આવે છે. પરંતુ પાલિકા દ્વારા કરાયેલ કામગીરીમાં મોટા પાયે છબરડા જોવા મળ્યા હતા. ડાકોરમાં પદયાત્રીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે શહેરમાં ગાયોના ટોળા દેખાતા લોકોમાં ભય ફેલાયો હતો. ઉપરાંત પાલિકા દ્વારા થોડા દિવસ અગાઉ ગટરના ઢાંકળાને સિમેન્ટથી પૂરવામાં આવ્યા હતા. જે ફક્ત બે જ દિવસમાં જર્જરિત થઇ ગયા હતા.
ત્યારે પાલિકાની ઘોર બેદકારીને કારણે પદયાત્રી ગટરમાં ખાબકે ત્યારે જવાબદારીના ટોપલા કોને માથે આવશે તેવી વાતો ચર્ચાઇ હતી. તમામ સમસ્યાને લઇ શહેરીજનોએ તંત્ર સામે સરખી કામગીરી કરવાની માંગ ઉચ્ચારી હતી.
ગાયો કોઇને મારે તેની રાહ પાલિકા જોવે છે
ગાયો મારશે કાં તો કોઈને નુકસાન પહોંચાડશે તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે. હમણાં વડોદરામાં એક મૃત્યુ ગાયના મારવાના કારણે થયું છે તો શું ડાકોરમાં નગરપાલિકા રાહ જોઈ રહી છે. > નરેશ રતિલાલ સેવક, ડાકોર મંદિર.
ગાયો પકડવા નડિયાદથી ટીમ બોલાવી છે
ગાયોને પકડવા માટે અમારી ટીમ અને નડિયાદથી પણ બોલાવેલી ટીમ કામ કરી રહી છે. અને અમે રોડના ખાડા યાત્રાળુઓને તકલીફ ન પડે એટલે ડામર થી પુરાવી દીધા છે.> સંજય પટેલ, ચીફ ઓફિસર, ડાકોર નગરપાલિકા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.