ડાકોર રણછોડરાય મંદિરમાં બિરાજેલ રાજા રણછોડના લાઇવ દર્શનના નામે વિવિધ સેવા ટ્રસ્ટો દ્વારા ભક્તો પાસેથી ઓનલાઇન પેમેન્ટ એપ મારફતે પૈસા ઉઘરાવવામાં આવે છે. તથા ડાકોર લાઈવ દર્શન સેવા ટ્રસ્ટ નામના વેબ પેજમાં ડોનેશન લેવાની જાણ થતા મંદિરના કર્મચારી દ્વારા 2 જણાને પકડી પડાયા હતા. જે ડોનેશનના પૈસા મંદિરની દાનપેટીમાં મુકાવી માફી પત્ર લખાવીને છોડી દેવામાં આવ્યા હતા. ત્યારે મંદિરમાં બંધ બારણે સમાધાન કરી કાયદાકીય કાર્યવાહી કેમ ન કરાઇ તે વિષય હાલ શહેરીજનોમાં ચર્ચાઇ રહ્યો છે.
ભગવાનના નામે વિવિધ પ્રકારના વોસટઅપ ગ્રુપ અને વેબસાઇટ બનાવીને ભગવાનના લાઇવ દર્શન કરાવવાના બહાને શ્રદ્ધાળુઓ જોડેથી પૈસા ઉઘરાવતા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરાવામાં આવે તેવી લોકમાંગ છે. હાલમાં આ પ્રકારના વેબ પેજ દ્વારા ભક્તો પાસેથી પૈસા ખંખેરતા બે શખ્શોને મંદિર દ્વારા પકડવામાં આવ્યા હતા.
પરંતુ મંદિરના તંત્ર દ્વારા કોઇ પ્રકારની કાયદાકીય કાર્યવાહી ન કરતા પૈસાને દાનપેટીમાં જમા કરાવી અને માફી પત્ર લખાવીને છોડી મૂકાયા હતા. જેને લઇ મંદિરના કર્મચારીઓ આ પ્રકારે ચાલતી ગેરરીતિ ને અટકાવવા નથી માંગતા કે શુ જેવી વાતો ભક્તોમાં ચર્ચાઇ હતી.
ઉપરાંત ભગવાનના નામે પૈસા ઉઘરાવી કયા કામમાં પૈસાનો ઉપયોગ થાય છે તેની પણ કાયદેસર રીતની તપાસ કરાવવી જરૂરી હોઇ મંદિર પ્રશાસન દ્વારા આ બાબતે પગલા ભરવાની માંગ ઉઠી છે. આ મામલે ટેમ્પલ કમિટીના ઇન્ચાર્જ રવિન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, બે જણની પૂછપરછ કરી રહ્યા છે, ત્યારબાદ નિર્ણય લઇશું. જ્યારે ડાકોર પી.આઇ.એ જણાવ્યું હતું કે, અમને કોઇ અરજી મળી નથી. બીજી તરફ પૂજારી વિનોદ સેવકે કહ્યું હતું કે, પોલીસ કેસ થાય અને યોગ્ય સાયબર ક્રાઇમ બ્રાન્ચને કેસ મળે તો યોગ્ય ન્યાય ડાકોર મંદિરને મળે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.