નોટિસ:ડાકોરમાં સબ સિવિલ સેન્ટરના બાંધકામમાં ઝીણી રેતી, કાચી ઇંટો વાપરતી એજન્સીને નોટિસ

ડાકોર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 મહિનાથી ચાલતા કામ અંગે ફરિયાદ મળતા પાલિકા પ્રમુખની સરપ્રાઇઝ વિઝિટ
  • ફરિયાદ કરનાર ગ્રામજનોને એજન્સીના સંચાલક મંત્રીના નામે દમ મારતા હોવાનોઆક્ષેપ

છેલ્લા 5 મહિનાથી ડાકોર ખાતે સબ સિવિલ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. જેની અંદાજે રૂ.12.18 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ સેન્ટરમાં હલકી ગુણવત્તા વાળુ મટિરીયલ વાપરવામાં આવી રહી હોવાનું ગ્રામજનોની ફરિયાદને આધારે પાલિકા પ્રમુખની સરપ્રાઇઝ વિઝિટમાં પોલ ખુલી જતા એજન્સીને નોટિસ પાઠવી હતી.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર છેલ્લા 5 મહિના ઉપરથી ડાકોરમાં રૂ.12.18 કરોડના ખર્ચે સબ સિવિલ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. જે કામ માટે એજન્સી દ્વારા હલકી ગુણવત્તા મટિરીયલ વાપરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ગ્રામજનો દ્વારા કરવામાં આવતી હતી. પરંતુ એજન્સીના સંચાલક પોતે મોટા મંત્રીનું નામ આપી લોકોને ચૂપ કરાવી દેતા હતા.

જે બાબત ડાકોર નગરપાલિકા પ્રમુખ મયુરીબેન પટેલના ધ્યાને આવતા તેઓએ સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. જેમાં વિનોદભાઈ ઠક્કર નામની એજન્સી દ્વારા એકદમ ઝીણી રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ઈંટો પણ કાચી વપરાતા હતા. એજન્સીના સુપરવાઈઝર હિતેશભાઈને આ બાબત ની રજુઆત કરતા તેમણે એજન્સીનો લુલો બચાવ કર્યો હતો.

જેથી ડાકોર પાલિકાના પ્રમુખ દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પી. આઈ.યુ. સેન્ટર પર કામની ચકાસણી કરવાનો પત્ર લખ્યો હતો. આ બાબતે નડિયાદ પી.આઈ.યુ.એસો તરીકે ફરજ બજાવતા વી.ડી.પરમાર ના જણાવ્યા પ્રમાણે એજન્સી જે કામ કરી રહી છે તે બરોબર છે. 2018 ના એસ.ઓ. આરથી કામ કરી રહી છે. ઉપરાંત મંત્રીઓ દ્વારા ખાત મુહૂર્ત કરવાને કારણે આ કામ કરી રહી છે. બાકી આ કામમાં એજન્સીને બે કરોડની ખોટ ખાવાની વારી આવી હોવાનું જણાવ્યું હતું.

આ જવાબ થી આડકતરી રીતે એજન્સીનો ખુલ્લો બચાવ કરવામાં આવી રહ્યાનું ફલિત થયું હતું. સરકારના 12.18 કરોડને ચૂનો ચોપડવાનું કામ આ એજન્સી દ્વારા કરાઇ રહ્યું છે. મહત્વની બાબત એ છે પાલિકા પ્રમુખની વિઝીટ દરમ્યાન કામની દેખરેખ રાખવા માટે કોઈ સરકારી અધિકારી અથવા સુપરવાઈઝર કે એન્જીનીયર હાજર ન હતા. આ બાબતે વિનોદભાઈ એજન્સીના માલિક સાથે સંપર્ક સાધતા ફોન ઉપાડ્યો ન હતો.

આ બાબતે વધુ તપાસ હાથ ધરાશે
ડાકોરના પાલિકા પ્રમુખ મયુરીબેન પટેલે જણાવ્યું હતું કે હલકી ગુણવત્તાનું મટીરીયલ સરકારી હોસ્પિટલ માટે વપરાઈ રહી છે. જે હકીકત સ્થળ પર જોઈને માલૂમ પડ્યું. આ બાબતે તરત જ એક્શન લેવામાં આવી હતી. વધુ તપાસ કરવામાં આવશે. હલકી ગુણવત્તાની વસ્તુઓનો વપરાશ યોગ્ય નથી.

અન્ય સમાચારો પણ છે...