ડાકોરના વોર્ડ નં.5માં આવેલ મંડોળા ફળિયું અને ભોઈવાળા વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી ઢાંકણા વગરની ખુલ્લી ગટરને કારણે આજુબાજુના વિસ્તારોમાં રોગચાળો ફેલાઈ જવા પામ્યો હતો. ઉપરાંત તંત્ર દ્વારા આ ગટરોની સાફસફાઇ કરવા માટે કોઇ પ્રકારની તાકીદ લેવામાં ન આવતા રહીશોને ભારે ગંદકીનો સામનો કરવો પડી રહ્યો હતો. તથા સફાઇ કામદાર મુકવામાં આવતા તે લોકો પણ સફાઈ કરવા ન આવતા ગંદકીનું પ્રમાણ દિવસેને દિવસે વધવા પામ્યું હતું.
સ્થાનિકો દ્વારા મે મહિનામાં ગટરો સાફ કરવા અને ઢાંકણા મૂકવા બાબતેની ડાકોર નગરપાલિકાને રજૂઆત કરવા છતા ગટરો આજદિન સુધી સાફ થઈ ન હતી. જેને કારણે ગટરના ગંદા પાણી તેમજ ભૂગર્ભ ગટરોના પાણી પણ બહાર આવી જવા પામ્યા હતા. જેને લઈને સ્થાનિકોને વાહન ચલાવવામાં અને રાહદારીઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડતું હોય છે.
આટલી તકલીફો હોવા છતાં ડાકોર નગરપાલિકાના સત્તાધિશો તેમની ઓફિસોમાં બેસી આ વોર્ડના રહીશોને રોગચાળો થાય તેવી રાહ જોતા હોય તેવી સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. ડાકોરમાં વરસાદ હોઇ નગરપાલિકા દ્વારા કાદવ કીચડમાં દવાનો છટકાવ ન કરવામાં આવતા ટાઇફોઇડ મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગોનો ભય ઉભો થવા પામ્યો છે.
ડાકોર નગરપાલિકા પ્રમુખ ફરિયાદની રાહ જુવે છે
ડાકોર નગરપાલિકા પ્રમુખ રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મારી પાસે આ બાબતે કોઇ પ્રકારની ફરિયાદ આવી ન હતી. તેમ છતાં અમે આ બાબતે યોગ્ય તપાસ કરાવીને ગંદકી અને ગંદા પાણીનો વહેલી તકે નિકાલ કરી આપીશુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.