શિક્ષણકાર્ય પર ઉઠ્યા સવાલ:વિસાવદરનાં જાવલડીની પ્રાથમિક શાળાનાં છાત્રોને કક્કો કે સો એકડા પણ નથી આવડતા

વિસાવદર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુવિધાઓ ન હોઇ ગ્રામજનોએ રોષે ભરાઈ શાળાએ પહોંચ્યા અને કરી તાળાબંધી

વિસાવદરનાં જાવલડી ગામની શાળામાં શિક્ષણ કાર્ય યોગ્ય રીતે ન કરાવવામાં આવતુ હોવાના આક્ષેપ સાથે ગામજનો શાળાએ પહોંચ્યા હતા. અને તાળાબંધી કરી હતી. લોકોના જણાવ્યા અનુસાર શાળાની અંદર છાત્રો માટે પાણીની વ્યવસ્થા નથી. આ ઉપરાંત ટોઈલેટની પણ સવલત નથી. તેમજ ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યાં છે. રૂમની અંદર પણ ગંદકી હોય જેથી છાત્રોને ઓસરીમાં બેસાડવાની ફરજ પડી રહી છે. આ પ્રશ્નને લઈ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આંદોલનની ફરજ પડી હતી.

જ્યારે આ શાળામાં સુવિધાના અભાવે ગામના 50 ટકાથી વધુ છાત્રો વિસાવદર તેમજ આસપાસના ગામની શાળામાં અભ્યાસ માટે જતા રહ્યાં છે. તેમજ જે બાળકો આ શાળામાં એટલે કે ધો-1 થી 6માં અભ્યાસ કરે છે તેમને કલમ ખડીયો કે સો એકડા પણ આવડતા નથી. તેમજ શિક્ષકો પણ સમયસર શાળાએ ન આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જ્યારે વધુમાં મળતી વિગત મુજબ આ શાળાનાછેલ્લા ઘણા વર્ષોથી શિક્ષક દંપત્તિ ફરજ બજાવી રહ્યાં છે. અને આ બધો વિરોધ એ શિક્ષક દંપત્તિ સામે જ ગ્રામજનો કરી રહ્યા છે થોડા વર્ષો પહેલા ચૂંટણીની જવાબદારી ભરી કામગીરીમાં પણ આ શિક્ષક દંપતીએ વિસાવદર ડેપ્યુટી કલેકટરને ખોટું બોલી જંગલની અંદર ફેરવ્યા હતા.

જ્યારે આ શિક્ષક દંપત્તિ ખરેખર તેમના વતન જતા રહ્યા હતા. તેમજ ગત રાષ્ટ્રીય પર્વ 26 જાન્યુઆરીએ શાળામાં ધ્વજ વંદન જ થયેલ ન હતું. જ્યારે આ બાબતનું ગ્રામજનોએ ટીડીઓ તથા કેળવણી નિરીક્ષકને વાત કરતા તે તાત્કાલિક જાવલડી પ્રાથમિક શાળાએ પહોંચી ગયા હતા પરંતુ એક પણ શિક્ષક હાજર ન હતા.

દારૂની કોથળીઓ જોવા મળી ?
જ્યારે વધુમાં મળતી વિગત મુજબ શાળાની અંદર જ્યાં ત્યાં દારૂની કોથળીઓ પણ જોવા મળી રહી છે. તે મુદ્દે પણ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.

શિક્ષણકાર્યનો બહિષ્કાર કરીશું ?
આ અંગે વનરાજભાઈ ગીડાએ કહ્યું હતું કે, યોગ્ય પગલા નહીં લેવામાં આવે તો શિક્ષણકાર્યનો બહિષ્કાર કરીશુ. અને જરૂર પડ્યે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ છાત્રો અને વાલીઓ દ્વારા આંદોલન શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...