તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ખરખરો કરી પરત આવતા દંપત્તિનું અકસ્માતમાં મોત

રતાંગ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક મનોજભાઇ, મૃતક તરૂણાબેન - Divya Bhaskar
મૃતક મનોજભાઇ, મૃતક તરૂણાબેન
  • તાલાલાના હડમતિયા અને સુરવા વચ્ચે રોંગ સાઇડમાંથી આવતી કારે બાઇકને હડફેટે લીધું 'તું

વિસાવદર તાલુકાના રતાંગ ગામનું એક સેવાભાવિ દંપત્તિ બાઇક પર હડમતિયા ગામે સગાંને ત્યાં ખરખરો કરવા ગયું હતું. ત્યાંથી પરત આવતી વખતે રોંગ સાઇડમાંથી આવતી કારે તેમની બાઇકને ઠોકર મારતાં બંને પતિ-પત્નીના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, વિસાવદર તાલુકાના રતાંગ ગામના મનોજભાઇ (મુન્નાભાઇ રીંગવાળા) લાલજીભાઇ અમરેલિયા (ઉ. 43) અને તેમના પત્ની તરૂણાબેન (ઉ. 40) ગઇકાલ તા. 3 જુને સવારે બાઇક પર હડમતિયા તેમના સગાંને ત્યાં ખરખરો કરવા ગયા હતા.

અને બપોરે પોણા ત્રણ વાગ્યાના અરસામાં રતાંગ પરત આવવા રવાના થયા હતા. તેઓ હડમતિયા અને સુરવાની વચ્ચે હતા ત્યારે સામેથી રોંગ સાઇડમાં આવતી જીજે 3 એચએ 9211 નંબરની કારના ચાલકે તેમની બાઇકને હડફેટે લીધી હતી. જેમાં તરૂણાબેન જમીન પર પટકાયા હતા. જ્યારે મનોજભાઇ કારની આગળના ભાગ નીચે આવી ગયા હતા. પુરવેગે આવતી કાર મનોજભાઇને ઢસડતી આગળ ખાડામાં ઉતરી ગઇ હતી. મનોજભાઇની સાથેજ બીજી બાઇક પર આવતા તેમના માસિયાઇ ભાઇ અને તેમના પત્નીની નજર સમક્ષ બનાવ બન્યો હોઇ તેમણે તાત્કાલિક 108 ને બોલાવી બીજા લોકોની મદદથી મનોજભાઇને કાર નીચેથી બહાર કાઢી 108 માં તાલાલા સરકારી દવાખાને ખસેડ્યા હતા.

અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરાયા હતા. જ્યાં બંને પતિ-પત્નીએ એકસાથેજ અંતિમ શ્વાસ લીધા હતા. બીજી બાજુ અકસ્માત સર્જી કાર ચાલક અને તેની સાથેની વ્યક્તિ કાર સ્થળ પર જ રેઢી મૂકીને ફરાર થઇ ગયો હતો. મૃતક મનોજભાઇ બોરવેલના ડીલર હતા. અને તેઓ ધાર્મિક અને સેવાભાવિની છાપ ધરાવતા હતા. તેમના વિધવા માતા, બે પુત્રો અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ દંપત્તિનો ગામના સ્મશાનમાં એકસાથેજ અગ્નિ સંસ્કાર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...