હડતાળ:વિસાવદરમાં તલાટી મંત્રી મંડળ, મનરેગા યોજનાના કર્મીઓની હડતાળ, લોકો હેરાન

વિસાવદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા નિર્ણય લેવાયો’તો

રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ 2 ઓગસ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળ રાજ્ય તલાટી મંત્રી મહામંડળના નેજા હેઠળ ચાલુ કરેલ છે. જેમાં વર્ષ 2018થી મહામંડળ દ્વારા અનેક લેખીત રજૂઆતો કરવા છતા પડતર પ્રશ્નોનું નિરાકરણ લવાતું નથી. આ અગાઉ 07 સપ્ટેમ્બર-2021ના પણ હડતાળનું આયોજન કરાયેલ પરંતુ પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવાની બાંહેધરી આપતા મોકુફ રખાઈ હતી. પરંતુ આ બાંહેધરીને પણ 9 માસ વિતી જવા છતા કોઈ ઉકેલ ન આવતા ગાંધીનગર ખાતે મહામંડળની કારોબારી સભા મળી હતી.

જેમાં સર્વાનુમતે ઠરાવ થયો હતો અને 2 ઓગસ્ટથી રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યા સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાનું નક્કી કરાયું હોય જેને લઈ હાલ રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ 2 દિવસથી હડતાળ પર છે. તેમજ મનરેગા યોજનાના કર્મીઓ પણ પોતાની વર્ષો જુની માંગણીઓ ન સંતોષાતા 18 દિવસથી હડતાળ પર છે.

જેના કારણે ગામડાના મજુર વર્ગના અનેક કામો ખોરંભે ચઢી ગયા છે. અને લોકો તા.પં. કચેરીએ કામો માટે ધક્કા ખાઈ રહ્યાં છે. પરંતુ કોઈ કામ આ હડતાળના કારણે થતું નથી. અને આવક, જાતિ, રહેણાંકના દાખલા સહિત માટે લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. સાથે આવાસ યોજનાના મકાનો, ટોયલેટ જેવી યોજાનાઓના કામો પણ હાલ બંધ છે. જેથી લોકો પરેશાન થઈ રહ્યાં છે.

વિધાનસભાની ચૂંટણીમાં નુકસાન પહોંચાડી શકે ?
આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ બંને મંડળના કર્મીઓ સરકારને નુકસાન પહોંચાડી શકે તેમ છે. કારણ કે બંને મંડળના કર્મીઓ ગરીબો, ગામલોકો, સરપંચો, આગેવાનોના સતત સંપર્કમાં હોય છે. અને તેઓએ સરકાર સામે બાંયો ચઢાવી હોય આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોટુ નુકસાન પહોંચાડી શકે છે.- તસવીર - વિપુલ લાલાણી

અન્ય સમાચારો પણ છે...