જનેતાએ દીપડા સાથે બાથ ભીડી:પ્રેમપરા ગામે બાળકનો પગ પકડી માતાએ દીપડાના મોં માંથી છોડાવ્યો; બાળકે રાડારાડ કરતા માતા જાગી ગઇ અને જીવ બચ્યો

વિસાવદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે માતાની બાજુમાં સુતેલા પુત્રને રાત્રિના સમયે ઘરમાં ઘૂસી ગયેલા દીપડાએ માથેથી ઉપાડ્યો હતો. આથી પુત્રએ રાડારાડ કરતાં જાગી ગયેલી માતાએ પુત્રનો પગ પકડી લીધો હતો. અને હાકોટા પાડતાં દીપડો તેને મૂકીને નાસી ગયો હતો.

દીપડાએ બાળકનું માથું પકડ્યું હતું
વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે સો વારિયા વિસ્તારમાં રહેતા શંભુભાઇ ચારોલિયાનો 8 વર્ષનો પુત્ર અક્ષય તેની માતાની બાજુમાં સુતો હતો. ગતરાત્રે બે વાગ્યાના અરસામાં અચાનકજ એક દીપડો તેના ઘરમાં ઘૂસી ગયો હતો. અને અક્ષયનું માથું પકડ્યું હતું. જોકે, અક્ષયે રાડારાડ કરતાં તેની માતા જાગી ગઇ હતી. તેણે અક્ષયનો પગ પકડી લીધો. અને રાડારાડ કરતાં ઘરમાં બીજા બધા જાગી ગયા હતા. આથી દીપડો અક્ષયને મૂકીને નાસી ગયો હતો. અક્ષયને સારવાર માટે પહેલાં વિસાવદરના સરકારી દવાખાને લઇ જવાયા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવીલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં વન અધિકારીઓ સિવીલ હોસ્પિટલે પહોંચી ગયા હતા. દીપડાને પકડવા પાંજરું મૂક્યું હતું.

નવાબંદર પાસે ઇનફાઇટમાં સિંહનું મોત
ગિર પૂર્વ વનવિભાગ હેઠળના નવાબંદરના રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. બે સિંહ વચ્ચે ઇન્ફાઇટને લીધે તેનું મોત થયાનું અનુમાન થઇ રહ્યું છે. ગિર પૂર્વ વનવિભાગ હેઠળની જશાધાર રેન્જના નવાબંદર રાઉન્ડની નવાબંદર બીટ હેઠળના નવાબંદર રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહનો મૃતદેહ ફૂટ પેટ્રોલિંગ દરમ્યાન મળી આવ્યો હતો. આથી વનવિભાગના અધિકારીઓ અને વેટરનરી સર્જન ઘટનાસ્થળે દોડી ગયા હતા. મૃત સિંહ આશરે 5 થી 9 વર્ષનો હોવાનું વનવિભાગે અનુમાન કર્યું છે. સિંહના મૃતદેહ પર બીજા સિંહના દાંતના નિશાન જોવા મળ્યા હતા. તો તેના મૃતદેહની આસપાસ પણ બીજા સિંહના ફૂટમાર્કે જોવા મળતાં ઇન્ફાઇટને લીધે તેનું મોત થયાનું અનુમાન થઇ રહ્યું છે.

મોણવેલ ગામે વીડીમાંથી દીપડાનો મૃતદેહ મળ્યો
દરમ્યાન વિસાવદર તાલુકાની મુંડિયા રાવણી બીટ હેઠળના મોણવેલ ગામેથી ગઇકાલે એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. ગિર પશ્ચિમ વનવિભાગની વિસાવદર રેન્જના રાજપરા રાઉન્ડમાં આ ઘટના બની હતી. જેમાં સ્ટાફને ફૂટ પેટ્રોલિંગ દરમ્યાન મોણવેલી વીડી વિસ્તારમાં દીપડાનો મૃતદેહ જોવા મળ્યો હતો. તેની વય આશરે 9 થી 12 વર્ષની હોવાનું અનુમાન થઇ રહ્યું છે. જોકે, તેના મોત અંગેની તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...