તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:ગિરના નેસડામાં મુક્તાનંદ બાપુએ સવા કરોડના સ્ટીલના પતરાં આપ્યાં

વિસાવદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિસાવદર ખાંભડા નેસ વિસ્તારમાં સવારે સ્ટીલના પતરાનું વિતરણ કરાયું - Divya Bhaskar
વિસાવદર ખાંભડા નેસ વિસ્તારમાં સવારે સ્ટીલના પતરાનું વિતરણ કરાયું
  • કેન્દ્રિય મંત્રીની ઉપસ્થિતીમાં માલધારીઓને પતરાંનું વિતરણ શરૂ કરાયું

તાઉ તે વાવાઝોડાના કારણે ગિરના નેસડામાં ઝૂંપડા ઉડી ગયા હતા. આથી ઝૂંપડાને ઢાંકવા માટે ક્રાંતિકારી સંત મુક્તાનંદબાપુ દ્વારા ગિરના નેસડામાં વસતા માલધારીઓ માટે સવા કરોડના સ્ટીલના પતરાંનું વિનામૂલ્યે વિતરણ શરૂ કર્યું છે. આજે કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના હસ્તે આ કાર્યનો પ્રારંભ કરાયો હતો.વિસાવદરના ખાંભડા નેસ ખાતે આજે સવારે કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતીમાં સ્ટીલના પતરાંના વિતરણનો પ્રારંભ કરાયો હતો. તાઉ તે વાવાઝોડા વખતે ગિરના નેસડામાં વસતા માલધારીઓના ઝૂંપડા ઉડી જવા સાથે તેમના માલઢોર માટેનો ઘાસચારો પણ પલળી ગયો હતો.

ઉપર આભ અને નીચે ધરતી જેવી હાલત તેઓની થઇ ગઇ છે. આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ થતાં ભારત સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદજીએ તેમના શિષ્ય લોકસાહિત્યકાર રાજભા ગઢવી થકી નેસડાની પરિસ્થિતી અને માલધારીઓની તાતી જરૂરિયાતો વિશે જાણકારી મેળવી હતી. વાવાઝોડાના બીજાજ દિવસે તેમણે અનાજ, કરિયાણાનું વિતરણ કર્યું હતું.

રાજભા મારફત તેમણે દરેક નેસડામાં સવામણથી વધુ વજનની રાશન કીટ અને 1-1 તાડપત્રી પહોંચાડી હતી. બાદમાં હવે તેઓએ માલધારીઓને ઝૂંપડા બનાવવા માટે એક ઘર દીઠ વિનામૂલ્યે 10 સ્ટીલના પતરાં આપવાનું નક્કી કર્યું છે. આ રીતે કુલ સવા કરોડના પતરાંનું વિતરણ કરાશે. આ તકે વિસાવદર તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઇ રીબડિયા, તા.પં. પ્રમુખ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રૂપાલાએ નેસમાં દુહો લલકાર્યો
કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા ચારણી સાહિત્યના જાણકાર છે. ખાંભડા નેસ ખાતે ભેંસોને પાણી પીતી જોઇ ચારણી સાહિત્યનો દુહો મેયું માગ ન દેતિયું રૂંધતિયુ આરા જળ ઈ જાંબુર તણે આજ માણે મશિયારા દુહો લલકાર્યો હતો. જે રાજભા ગઢવીએ પૂરો કર્યો હતો.

ગિરગઢડાના દ્રોણેશ્વર ગુરૂકુલ દ્વારા પતરાંનું વિતરણ કરાયું
ગિરગઢડાના દ્રોણેશ્વર એસજીવીપી ગુરુકુલ દ્વારા તાઉતે વાવાઝોડામાં અસરગ્રસ્તોને ભારે નુકસાન થતાં ગિર નેસડા સહિતના અસરગ્રસ્તોને પતરાં તથા સિમેન્ટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. ગુરુકુલ દ્વારા પુનઃનિર્વસનનું કાર્ય હાથ ધરાયું છે. વાવાઝોડાને લીધે લાખો વૃક્ષો ધરાશઈ થયા છે. જેનાથી ખેડૂતો અને પર્યાવરણને ભારે નુકશાન પહોચ્યું છે. જેને ધ્યાનમાં લઈને ગુરૂકુળ દ્વારા જરૂરિયાતમંદ ખેડૂતોને મોટી સંખ્યામાં આંબાની કલમોનું વિતરણ કરવાનું પણ આયોજન કરેલ છે. તેમજ 5 હજાર કિલો ઘઉંનો લોટ પણ અસરગ્રસ્તો સુધી પહોંચાડાયો છે. આ સેવાઓમાં કેનેડા તથા અમેરિકા વગેરે દેશોના ભક્તોનો સહકાર મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...