જૂનાગઢ:બેંકના કર્મીએ 68 લાખ સેરવી લીધા

વિસાવદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિસાવદરનો બનાવ
  • ખેતી લોનનાં નામે નાણાં સેરવી લીધાની છેતરપીંડીની ફરિયાદ

વિસાવદરની એક્સીસ બ્રાન્ચના મેનેજર મનીષ ઓઝા (ઉ. 40) અને પોતાનીજ બ્રાન્ચમાં રીલેશનશીપ મેનેજર તરીકે ફરજ બજાવતા અમિત ડોબરિયા સામે વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છેકે, અમિતને ખેતીની લોન સાથે જોડાયેલી સવલતો અને એ સવલતો મેળવી ચૂકેલા ખેડૂતોને તેમની લોન રીન્યુઅલ કરી આપવાની કામગિરી સોંપાઇ હતી. જેમાં તેણે ઘણા ખેડૂતોને વિશ્વાસમાં લઇ ખેડૂતો પાસેથી લોનના ડોક્યુમેન્ટ્સ સાથે પછીની તારીખના સહી કરેલા ચેકો પણ મેળવી લીધા હતા. એ ચેક પોતે બેંકમાં જમા કરાવી દેશે એવી ખાત્રી આપી હતી. પણ જમા કરાવ્યા નહોતા. એને બદલે એ ચેકોનો ઉપયોગ કરી ખેડૂતોના ખાતામાંથી રૂપિયા ઉપાડી પોતાના અંગત ખાતાઓમાં એ રકમ જમા કરાવી દીધી હતી. જેમાં તા. 21 માર્ચ 2020 ના રોજ પ્રવિણભાઇ કાનાભાઇ કટારિયાએ પાસબુક અપડેટ કરાવતાં તેમાં રૂ. 3,70,000 ઉપડ્યાનું માલુમ પડતાં તેમણે બેંકમાં ફરિયાદ કરી હતી. જેના આધારે અમિતનું ભોપાળું છત્તું થયું હતું. એજ રીતે વિનોદભાઇ છગનભાઇ  સાકરિયા, જયેશભાઇ ગોંડલિયા, જેરામભાઇ ગોવિંદભાઇ સોજીત્રા, પ્રવિણભાઇ ઠુમર, મોહિતભાઇ માલવિયા, સહિત અનેક ખેડૂતોના ખાતામાંથી કુલ રૂ. 68,64,000 ઉપાડી લીધાની ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ વિસાવદરના પીઆઇ એન. આર. પટેલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...