ગીર સોમનાથ જિલ્લાના અનુસુચિત જનજાતિ કેટેગરીના યુવાનો જુદી જુદી ભરતી પરીક્ષાઓ પાસ કરેલી હોવા છતાં નિમણુંક પત્ર આપવામાં આવ્યો ન હોવાથી રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે આજે યુવાનોએ સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદન પાઠવી નિમણુંક આપો અથવા તો ઇચ્છા મૃત્યુની પરવાનગી આપવાની માંગણી કરી હતી. આ તકે અનુસુચિત જનજાતિ કેટેગરીમાં આવતા સમાજને અન્યાય રૂપે નિમણુંક અટકાવાનો રાજ્ય સરકાર ઉપર યુવાનોએ ગંભીર આક્ષેપ પણ કર્યો હતો.
આજે અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં આવતા રબારી, ભરવાડ, ચારણ સમાજના યુવાનોએ નિમણુંક આપો... નિમણુંક આપો....ના સુત્રોચ્ચાર કરતી રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ. જેમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી લોકરક્ષક દળ (LRD), રાજ્ય પરિવહન નિગમ, PGVCL,GPSC અને અન્ય ભરતીઓમાં એસટી કેટેગરીના સિલેક્ટ થયેલા 300 ઉમેદવારોને જાતિ પ્રમાણપત્રની ચકાસણીના બહાને લગભગ છેલ્લા ત્રણ વર્ષથી નિમણુંક આપવામાં આવી ન હોવાથી નોકરીથી વંચિત છે. તો ઘણાં કિસ્સામાં હાઇકોર્ટ દ્વારા પ્રોવિઝનલ નિમણુંક આપવા આદેશ કરેલો હોવા છતાં આપવામાં આવી નથી.
વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા પોતાની બહુમતી વોટ બેંકને સાચવવા માટે બંધારણને હાંસિયામાં ધકેલીને અમોને અન્યાય કરી રહી છે. સરકારની આવી અન્યાયી નિતીના કારણે ભોગ અનુસુચિત જનજાતિ સમાજના બે વ્યક્તિઓએ આત્મહત્યા કરી લીધી હતી અને કદાચ સરકાર હજી વધુ યુવાનો પોતાના પ્રાણની આહુતિ આપે તેની રાહ જોઇ બેઠી હોય એવી પ્રતિતિ થઇ રહી છે. સરકાર દ્વારા એક અઠવાડીયાની અંદર પ્રોવિઝનલ નિમણુંક આપે અથવા ઇચ્છામૃત્યુની પરવાનગી નહીં આપે તો અમો આખરી પગલું ભરતા ખચકાશું નહીં અને તેની સમગ્ર જવાબદારી સરકારની રહેશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.