આ મસ્તી મોતને નોતરશે!:તાલાલાના જાંબુરમાં સરસ્વતી નદી ગાંડીતૂર, ધસમસતાં પ્રવાહમાં કૂદકા મારતાં સિદ્દી યુવાનો કેમેરામાં કેદ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • ઘુઘવાઈને વહેતા પાણીમાં સીદી સમુદાયના યુવાનો જોખમી સ્ટંટ કર્યા
  • જોખમી સ્ટંટના દ્રશ્યો અન્ય હાજર લોકોએ કેમેરામાં કેદ કર્યા

ગીર સોમનાથ જિલ્લા અને ગીર જંગલ વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે જંગલ વિસ્તારમાંથી શરૂ થતી સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. ત્યારે તાલાલા નજીક જાંબુર ગામના સીમાડેથી પસાર થતી સરસ્વતી નદીના પાણી ઘુઘવાઈને વહેતા પાણીમાં સીદી સમુદાયના યુવાનો જોખમી સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. આ દ્રશ્યો અન્ય હાજર લોકોએ કેમેરામાં કેદ કર્યા જે સામે આવ્યા છે. જે મુજબ આ યુવાનો તંત્રની સૂચનાને અવગણીને ગાંડીતૂર બનેલી સરસ્વતી નદીના વહેતા પ્રવાહના પાણીમાં જાનની જોખમે છલાંગ લગાવી રહ્યા છે.

જીવલેણ સ્ટંટ
ગીર સોમનાથ જિલ્લા માટે તંત્રએ રેડ એલર્ટ આપી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરીને લોકોને નદી-નાળા આસપાસ ફરવા ન આવવા સાવચેત રહેવા અપીલ કરી હતી. તેમ છતાં અનેક વિસ્તારોમાં નદીના પટ વાળા વિસ્તારોમાં લોકોની જોખમી અવર જવર જોવા મળી રહી છે. આજે જિલ્લા અને જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે તાલાલા, સુત્રાપાડા પંથકમાં પસાર થઈ સોમનાથ સાનિધ્યે પહોંચતી સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યુ હતુ. આ નદી તાલાલા પાસેના જાંબુર ગામના સીમાડેથી પસાર થાય છે. ત્યારે આ નદીમાં આવેલા ઘોડાપુરના પગલે જાંબુરના સીમાડાના બેઠા પુલ પરથી ધસમસતા પાણી વહેતા થયા હતા. જેમાં જાંબુર ગામમાં રહેતા સીદી સમુદાયના અનેક યુવાનો જોખમી રીતે સ્ટંટ કરી ન્હાવાની સાથે વરસાદની મજા લઈ રહ્યા હતા. આ યુવાનોના જોખમી સ્ટંટના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ સામે આવ્યા છે.

4 કલાકમાં 10 ઇંચ વરસાદ
આજે સુત્રાપાડા શહેર-પંથકમાં 4 કલાકમાં 10 ઇંચ જેવો ભારે વરસાદ વરસી જતા પાણી પાણી થઈ ગયુ હતુ. જ્યારે તાલાલામાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે પંથકના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. સરસ્વતી નદી ગાંડીતૂર બનતા માધુપુર જાંબુર ગામ જળબંબાકાર થયું છે. જેને લેઇને તાલાલા-આકોલવાડી માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત વેરાવળ તાલુકાના ઉંબા ગામે આવેલા ઓમનાથ મહાદેવ મંદિર પાસેથી નીકળતી દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...