ગીર સોમનાથ યુથ કોંગ્રેસના કાર્યકરોએ સુત્રોચ્ચાર પોકારતી રેલી યોજી જિલ્લા રોજગાર કચેરીનો ઘેરાવ કર્યો હતો. આ તકે ગુજરાત મોડેલ ઉઘાડુ ન પડે એટલે સરકાર બેરોજગારીના આંકડા છુપાવતી હોવાના ગંભીર આક્ષેપો યુથ કોંગ્રેસના અગ્રણીઓએ કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.
ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ 'ગુજરાત માગે રોજગાર' કેમ્પેઇનના પ્રથમ ચરણમાં 'રોજગાર ક્યાં છે ?' અંતર્ગત આજરોજ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રભારી મહંમદ શાહિદ, ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, ઉપપ્રમુખ અભય જોટવા, જિલ્લા પ્રમુખ રાકેશ ચુડાસમાની આગેવાનીમાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સંગીતા ચંડપા સહિત યુવકો અને યુવતીઓ સહિત યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. બાદમાં જિલ્લા સેવા સદન કચેરીના બિલ્ડીંગ સુધી રોજગાર આપી 'બેરોજગારોને ન્યાય આપો'ના સુત્રોચ્ચાર પોકારતી રેલી કાઢી કાર્યકરો જિલ્લા રોજગાર કચેરી ખાતે પહોચ્યા હતા.
આ તકે યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર તેમના ગુજરાતના મોડેલને ઉઘાડું પાડતા બચાવવા માટે રોજગારીના આપ્યાના અને બેરોજગારોના ખોટા આંકડા દર્શાવી રહી છે. અમારા અંદાજ મુજબ ગીર સોમનાથ જિલ્લામાં જ 30 હજાર જેટલા બેરોજગાર છે જેની સામે જિલ્લાની રોજગાર કચેરીમાં માત્ર 7 હજારનો જ આંકડો દર્શાવી બેરોજગારીનો સાચો આંક છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથના બેરોજગારોને રોજગારી મળે તેવી માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.