પ્રકૃતિક ખેતી સમયની માંગ બની છે. પણ હજુ સ્થિતિ એવી છે કે ઘરના વડીલો જ પોતાના યુવાન અને ભણેલા યુવાધનને ખાનગી કંપનીમાં નોકરી કરી સ્ટેટ્સ બનાવી રાખવા દબાણ કરે છે. જોકે, કેટલાક યુવાનો એવા છે જેને 15 બાય 15 ની ઓરડીમાં રહીને ડિપ્રેશનમાં રહેવું અને કંપનીને સધ્ધર બનાવવામાં યુવાની ખપાવી દેવાનું મંજુર નથી. આ યુવાનો હવે ખેતી તરફ વળ્યાં છે.
જોકે, સોફ્ટવેર એન્જીનીયર યુવાન હેમલ મહેતાની કહાની કંઈક જુદી છે. પિતાને બ્રેઇનસ્ટ્રોક આવ્યા પછી તબીબો સાથેની વાતમાં સત્ય સમજાયું કે, આપણી ખોરાકની પદ્ધતિ અને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ પણ આવી બીમારીનું એક કારણ છે. હેમલ મહેતાએ તબીબો સાથે તેના મોડ ઓફ એક્શનની વાત જાણી પછી સતત મનોમંથન બાદ એક મક્કમ નિર્ણય કર્યો. ઝાયડ્સ કંપનીની નોકરીમાંથી રાજીનામુ આપી દીધું. તગડો પગાર છોડ્યો અને નક્કી કર્યું કે પ્રાકૃતિક ખેતી કરીને જીવવું છે. અહીંથી શરુ થયેલી ખેતીની યાત્રા અંગે હેમલ મહેતા પોતાની વાત કરે છે.
મારા પિતા હર્ષદભાઈ ગિરધરલાલ મહેતા તલાટી મંત્રી હતા. એમને બીમારી આવી પછી પહેલા તો શુદ્ધ ખોરાક માટે અનાજ અને શાકભાજીની શોધ કરી પણ ન મળ્યું. એટલે પ્રાકૃતિક ખેતી કરવાનું નક્કી કર્યું. ખાતેદાર ન હોવાથી જમીન તો હતી નહીં અને ખેતી માટે વાણિયાના દીકરાને કોઈ જમીન ભાડે આપે નહીં. પ્રથમ તો 13,500ના ભાડામાં 10 વીઘા જમીન રાખીને ખેતીની શરૂઆત કરી.
ખુબ મહેનત પરસેવો પડ્યો. આમ તો વણિક હોવાથી આપણા ઘરના કાયદાઓ જ અલગ હોય. 8 વાગે ઘરમાં આવી જવું પડે પણ ખેતીમાં આવવાથી જીવન બદલવું પડ્યું. વહેલી સવારે ઉઠીને ખેતરમાં જવું, બે ગાય રાખી છે. તેનું દોહન મારા પત્ની કરે. આમ ખેતીમાં મન લગાડ્યું પછી સમજાયું કે, આપણે તો ભાડું વધારે ચૂકવીએ છીએ. એટલે બીજી બે જમીન એક 30 વીઘા અને બીજી 45 વીઘા ભાડા ઉપર રાખીને ખેતીને આગળ વધારી ખેતીમાં નુકશાન પણ થયું છે. જોકે, એ ખેતીના કારણે નહીં કુદરતી આપત્તિઓના કારણે હતું. એ નુકસાન તો બધાને થાય.
પણ હવે પ્રાકૃતિક ખેતી ખુબ સારું પરિણામ આપી રહી છે. જોકે સમાજ હજુ એ વાત સ્વીકારવા તૈયાર નથી કે વાણિયાનો દીકરો ખેતી કરે. મારા પિતાને ઘણા લોકો સમજાવે કે તમે હેમલને ખેતી ન કરવાનું સમજાવો. પણ મારા પિતા એ લોકોને કહે છે, હેમલ ખેતી ભલે કરે તમારે ઓળા-રોટલાનો સ્વાદ માણવો હોય તો ખેતરે આવી જાજો. પણ ખેતી હવે શોખ માત્ર નથી જીવનમાં વણાઈ ગઈ છે. હેમલની સાથે તેમના પત્ની, માતા-પિતા બધા ખેતીમાંજ કાર્યરત છે. અને પ્રકૃતિની વચ્ચે તંદુરસ્ત જીવન જીવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.