નજીવી બાબતે હત્યા:ઉનાના મોઠા ગામે સીટી વગાડવા જેવી નજીવી બાબતે યુવાનની હત્‍યા, પાંચ-છ છરીના ઘા ઝીંકી ત્રણ શખ્સો ફરાર

વેરાવળ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલી હત્‍યામાં પરીણામી
  • મૃતકના કાકાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી

ગીર સોમનાથ જિલ્‍લાના ઉના તાલુકાના મોઠા ગામે ધાર્મિક કાર્યક્રમમાં નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલી હત્‍યામાં પરીણામી હતી. મોઠા ગામે માતાજીના માંડવામાં બેસવા અને સીટી વગાડવા જેવી સામાન્ય બાબતે બે યુવાનો વચ્‍ચે બોલાચાલી થયેલી જેમાં ઉશ્‍કેરાયેલા ત્રણ શખ્સોએ તાલુકાના ગરાળ ગામના યુવાન પર છરી વડે હુમલો કરી આડેધડ ઘા મારી હત્યા નિપજાવી નાંખતા અરેરાટી પ્રસરી ગઇ હતી. આ હત્‍યાની ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ સ્‍ટાફ સાથે સ્‍થળ પર દોડી ગયા હતા. હત્‍યા મામલે પોલીસે ગુનો નોંધીં હત્‍યારાઓોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગીર સોમનાથના ઉના તાલુકામાં ધાર્મિક કાર્યક્રમમાં થયેલી હત્‍યા અંગે પોલીસમાંથી પ્રાપ્‍ત વિગતોનુસાર, ઉના તાલુકાના મોઠા ગામે ગોંદરા ચોક વિસ્તારમાં માતાજીનો નવરંગ માંડવાના ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયેલું હતુ.

આ પ્રસંગમાં માતાજીના દર્શન કરવા આસપાસના વિસ્‍તાર અને ગામોના લોકો દર્શનાર્થે જતા હોય છે. જેમાં હાજરી આપવા અને દર્શન કરવા માટે ઉના તાલુકાના ગરાળ ગામે રહેતા યશપાલસિંહ અખુભા વાળા (ઉ.વ.22) પોતાના મિત્ર સાથે ગઇકાલે રાત્રીના ગયો હતો.

માતાજીના માંડવામાં ડાકલાની રમઝટ ચાલી રહી હતી તે સમયે સીટી વગાડવા અને બેસવા બાબતે યશપાલસિંહને મોઠા ગામના ચિરાગસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર, સંજયસિંહ જશાભાઇ પરમાર અને સાંઢણીઘાર ગામના મહિપતસિંહ મનુભાઇ ગોહીલ સાથે પ્રથમ બોલાચાલી થયેલી અને જોત જોતામાં ઉગ્ર સ્‍વરૂપ સર્જાતા ત્રણેય શખ્‍સો યશપાલસિંહ પર તુટી પડી માર મારવા લાગતા તે જમીન પર પડી ગયો હતો. તે સમયે ચિરાગસિંહ અને મહિપતસિંહે તેની પાસે રહેલી છરી વડે યશપાલસિંહના માથા તથા છાતીના પેટના ભાગે પાંચ-છ ઘા મારી દેતા લોહીલોહાણ થઇ ગયો હતો. ત્‍યારે યશપાલસિંહને છોડાવવા કાર્યક્રમમાં હાજર અમુક લોકોએ રાડા રાડ કરતા ત્રણેય શખ્‍સો ભાગી ગયા હતા.

બાદમાં ઇમરજન્સી 108ને જાણ કરતા એમ્‍બ્‍યુલન્‍સ સ્‍થળ પર દોડી આવી હતી. જેમાં યશપાલસિંહને ઉના સરકારી હોસ્પીટલે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ ઉના પોલીસને થતા અધિકારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્‍યો હતો.

હત્‍યા મામલે મૃતકના કાકા મંગળસિંહ રૂપસંગ વાળાએ ફરીયાદ નોંધાવી હતી. હત્‍યાના પગલે નાના એવા ગામ સહિત તાલુકાભરમાં ચકચાર પ્રસરી ગઇ હતી. તો બીજી તરફ હત્‍યા મામલે પોલીસનો ધમધમાટ શરૂ કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્રણેય હત્‍યારાઓ પોલીસના હાથવેંતમાં આવી ગયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...