જૂનાગઢના મ્યુનિસિપલ કમીશનરનો જૂનો મોબાઇલ નંબર બંધ થયો. નિયમાનુસાર સમય વિત્યા બાદ એ નંબર રાજકોટના એક નાના વેપારીને મળ્યો. અને ત્યારથી તેની દશા બેઠી છે. રોજ કોઇને કોઇ કમીશ્નર માનીને એ નંબર પર ફોન કરે અને વેપારીએ ખુલાસો કરવો પડે.
જૂનાગઢ મ્યુ. કમીશ્નર પાસે અગાઉ મોબાઇલ નંબર 9427208277 હતો. એ હવે બંધ થઇ ગયો છે. તેને ઘણો સમય વિત્યા બાદ હવે એ નંબર કંપનીએ રાજકોટના શાહીદ કમાલીયા નામના કોમ્પ્યુટરના વેપારીને ફાળવ્યો છે. અને ત્યારથી તેને રોજ જૂનાગઢમાંથી કોઇને કોઇનો ફોન જાય છે. ફોન કરનાર ક્યારેક સારી રીતે વાત કરે. તો ક્યારેક કશું સાંભળ્યા પહેલાંજ ખખડાવી નાંખે. શાહીદભાઇ પેલાને કહે, ભાઇ હું કમીશ્નર નથી હું રાજકોટનો નાનો વેપારી છું. તો સામેથી જવાબ મળે તમે ખોટું બોલો છો તમે કમીશ્નરના પીએ બોલતા હશો.
ફોન કમીશ્નરને આપો. ક્યારેક કોઇ સમસ્યાને લઇને ફોન કરે તો ક્યારેક ભલામણને લગતા ફોન કરે છે. હું તો એક વર્ષથી કંટાળી ગયો. એકવાર તો કમીશ્નર બંગલાનું 6 હજાર રૂપિયા લાઇટ બીલ આ નંબર પર આવ્યું. મારું બીલ ઓછું આવે. એટલે મને આશ્ચર્ય થયું હતું. પછી તપાસ કરતાં સાચી હકીકતની ખબર પડી. આમાં મારે વાંક પણ કોનો કાઢવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.