મહિલા શિબિર:મહિલાઓ સમાજ સુધારા અને સમાજ નિર્માણમાં અમુલ્ય યોગદાન આપવાની સાથે આર્થિક વિકાસમાં યોગદાન આપી રહી છે: મુખ્‍યમંત્રી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ખેડૂત મહિલા શિબિર યોજાઈ
  • દરેક ગામના 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતિ તરફ વળે તે માટે મુખ્યમંત્રીએ અપીલ કરી

જૂનાગઢમાં કૃષી યુનીવર્સીટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી બેંક લી. અમદાવાદના સહયોગથી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. જૂનાગઢ બ્રાન્ચ દ્વારા આયોજીત ખેડૂત મહિલા ઉત્કર્ષ શિબિર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્‍થ‍િતિમાં યોજાઇ હતી. જેમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી.ના અધિકારી-કર્મચારીઓ દ્વારા 2 હજાર જેટલા બાળકોને કુપોષણમાંથી સુપોષિત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હોવાનું બેંકના ચેરમેન કિરીટ પટેલે જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી પટેલના હસ્તે જૂનાગઢ જિલ્લા સહકારી બેંન્ક લી. સાથે સંયોજિત શ્રી વડાલ સેવા સહકારી મંડળી લી. મજેવડી સેવા સહકારી મંડળી લી. અને ઝાલણસર સેવા સહકારી મંડળી લી. ના પ્રતિનિધિઓને માઇક્રો એ.ટી.એમ. એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લાની સંપૂર્ણ મહિલા સમરસ બંટીયા ગામના મહિલા સરપંચનું સન્માન કર્યુ હતું. ઉપરાંત પ્રગતિશિલ આત્મનિર્ભર મહિલા ખેડૂત ભાવનાબેન ત્રાંબડીયા, નાલિસાબેન ડોબરીયા અસ્મિતાબેન પોલરા, લતાબેન ગજેરા, અને શિલ્પાબેન દુધાત્રાનું પ્રમાણપત્ર, સ્મૃતિચિહન અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં નવિનીકરણ કરાયેલી પ્રાંચી શાખાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.

આ શિબિરને સંબોધતા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલે જણાવ્યું કે, મહિલાઓ સમાજ સુધારા અને સમાજ નિર્માણમાં અમુલ્ય યોગદાન આપવાની સાથે આર્થિક વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપી રહી છે. સખી મંડળ, સહકારી ક્ષેત્ર સહિતના માધ્યમથી નારીશક્તિએ સમાજને નવી દિશા ચિંધી છે. દરેક ગામના 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતિ તરફ વળે તે માટે આહવાન કર્યુ હતું. આપણે ત્યા સૈકાઓથી નારી શક્તિના પુજનની પરંપરા રહેલી છે. ગુજરાતની ત્રણ જેટલી દિકરીઓએ ઓલમ્પીકમાં અને ત્રણ દિકરીઓ પેરા ઓલમ્પિકમાં ભાગ લઇ પુરવાર કર્યુ છે કે, જો તક મળે તો નારી શક્તિ પોતાનું કૌવત બતાવી જાણે છે.

વધુમાં જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ધરતી માતાનું આરોગ્ય જાળવીએ તેના થકી જ માનવ જીવનનું આરોગ્ય જળવાશે. આમ જમીનની ફળદ્રુપતા વધવાથી અને શુધ્ધ ખેત ઉપજ મળતા ગંભીર રોગનું પ્રમાણ ઘટશે. કૃષિ ક્ષેત્રે પણ મહિલાઓની મહત્વની ભુમિકા છે. બીજ માવજત, નિંદામણ સહિતની કામગીરી મહિલાઓ દ્વારા સુપેરે કરવામાં આવે છે.

આ તકે ઇફ્કોના ચેરમેન દિલિપ સંઘાણીએ જણાવ્યું કે, દેશમાં 75 વર્ષમાં પહેલી વાર રાષ્ટ્રીય કક્ષાએ સહકારી ક્ષેત્રને ખુબ મહત્વ આપવામાં આવી રહ્યુ હોવાથી એક સ્‍વંતત્ર મંત્રાલયની પણ રચના કરી છે. આ સફળ નેતૃત્વએ સહકારી વિકાસ માટે નવી રાહ ચીંધી છે. સહકારી ક્ષેત્રના માધ્યમથી વ્યાપક લોક કલ્યાણ થઇ શકે તે માટે નવી નીતિ પણ ઘડવામાં આવી છે. નવી સહકારી નીતિના ઘડતરમાં દેશના તમામ નાગરીકો પોતાની સ્થાનિક ભાષામાં પોતાના સૂચનો રજૂ કરી શકે છે. આ સાથે તેમણે લોકોને સૂચનો આપવા અનુરોધ કર્યોં હતો.

જિલ્‍લા સહકારી બેંક સાથે વર્ષોથી જોડાયેલા પૂર્વ મંત્રી જશાભાઇ બારડે જણાવ્યું કે, એક સમયે ખેડૂતોને ધીરાણ ઉપર મોટુ વ્યાજ ચુકવવુ પડતું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના હીતમાં ઝીરો ટકાએ ધિરાણ આપવાનો નિર્ણય કર્યો હતો. એક સમયે નુકસાની વેઠી રહેલી જૂનાગઢ સહકારી બેંકને રાજ્ય સરકાર તરફ મળેલી માતબર સહાયના બળે આજે બેંક ડિવિડન્ડ આપતી થઇ છે.

આ શિબિરમાં મંત્રી દેવા માલમ, જી.પં.ના પ્રમુખ શાંતા ખટારીયા, મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય જવાહર ચાવડા, કો-કો બેંકના ચેરમેન ડોલર કોટેચા, ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા, પૂર્વ ધારાસભ્ય માધા બોરીચા, કનુ ભાલાળા, ભગવાનજી કરગઠીયા, અરવિંદ લાડાણી, વંદનાબેન મકવાણા, સહકારી ક્ષેત્રના આગેવાનો જેઠા પાનેરા, લક્ષમણ યાદવ, દિનેશ ખટારિયા, ધવલ દવે સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...