તાલાલા શહેરમાં નરસિંહ ટેકરી વિસ્તારમાં બુકાનીધારી શખ્સે ઘરમાં ઘુસી જઈ માં-દિકરીને છરી મારી જીવલેણ હુમલો કર્યો હતો. નરસિંહ ટેકરી વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર ગૌશાળા પાસે રહેતા લોહાણા યોગેશકુમાર રસીકલાલ તન્નાના ઘરમાં ઘૂસી ગયેલા બુકાનીધારી શખ્સે રસોઈ કરતી મહિલા અને તેની પુત્રી ઉપર છરીથી જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. બંન્નેને પ્રાથમીક સારવાર બાદ વેરાવળ સિવીલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ જીવલેણ હુમલા પાછળનું કારણ અંગે કોઈ વિગતો સામે ન આવતા પોલીસ પણ ચકરાવે ચડી છે.
આ ચકચારી ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના નરસિંહ ટેકરી વિસ્તારમાં રહેતા હેમાંગીબેન યોગેશભાઈ તન્ના ગઈકાલે સમી સાંજે રસોઈ બનાવી રહ્યા હતા અને તેમની પુત્રી હીના જમી રહી હતી. એ સમયે અચાનક મોઢે રૂમાલ બાંધેલ અને માથા ઉપર ટોપી પહેરી એક શખ્સ લૂંટ કરવાના ઈરાદા સાથે ઘરમાં ઘૂસી જતા તેને જોઈ બચાવો... બચાવો...ની રાડો પાડતા બુકાનીધારી શખ્સે માતા-પુત્રી બંન્નેના ડાબા હાથ તથા મોંઢા ઉપર છરીના ઘા મારી મકાનની પાછળની વંડી ટપી ગૌશાળા તરફ નાસી ગયો હતો.
આ ઘટનાને લઈ પાડોશીઓએ બંન્નેને બાજુની પ્રાઈવેટ હોસ્પિટલ લઈ ગયેલા જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વેરાવળ સિવિલમાં રીફર કર્યા હતા. બુકાનીધારી શખ્સે કરેલા હુમલાથી હેમાંગીબેનને હાથમાં નવ ટાંકા તથા શરીરના ભાગે છબરડાની ઇજા તથા તેમની પુત્રી હીનાબેનને હાથમાં નવ અને હોંઠ ઉપર એક ટાંકા જેવી ઇજાની સારવાર આપી હતી. નરસિંહ ટેકરી વિસ્તારમાં સમી સાંજે મુખ્ય માર્ગ ઉપર ભરચક વિસ્તારમાં બનેલ લૂંટના ઇરાદે હુમલાની ઘટનાથી નગરજનોમાં ભયનો માહોલ પ્રવર્તેલ હતો. આ ઘટના અંગે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં જીવલેણ હુમલા પાછળનું કોઈ કારણ સ્પષ્ટ ન થતા પોલીસ પણ ચકરાવે ચડી છે.
તાલાલા શહેરની ત્રીજા ભાગની વસ્તી નરસિંહ ટેકરી વિસ્તારમાં રહે છે. આ વિસ્તારના છેવાડાના હોવાથી દુધની જેમ દારૂ વેંચાતો હોવાની લોકચર્ચા છે. નરસિંહ ટેકરીના અમુક વિસ્તારોમાં દિવસ દરમ્યાન નાના મોટા છમકલાના બનાવો પણ થતા રહેતા હોય છે. જેથી આ વિસ્તારમાં પોલીસ ચોકી કાર્યરત કરવા લાંબા સમયથી લોકો દ્વારા માંગણી કરવામાં આવે છે પરંતુ લોક માંગણી અંગે ઘટતું કરવા પોલીસ અધિકારીઓ માત્ર ખાત્રી જ આપતા હોવાથી આજ સુધી તે સંતોષાય નથી. જેના પરીણામે પોલીસ અધિકારીઓના વચનો પોકળ સાબિત થઇ રહ્યા હોવાથી આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચિંતાજનક બની લોકોમાં અસુરક્ષિત હોવાની લાગણી પ્રવર્તી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.