આ બાયપાસ પરથી પાસ થવું કેમ?:હજુ તો 50 ટકા વરસાદ થયો છે ત્યાં શહેર તેમજ મધુરમ બાયપાસના રોડના ચિથરાં ઉડી ગયા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરીજનો ખાડા વાળા રોડથી ત્રસ્ત બન્યા, ખાડાના કારણે ક્યારે અકસ્માત થાય કંઇ નક્કી ન હોય દરરોજ મોતને માથે લઇને ફરવું પડે છે

જૂનાગઢ શહેરમાં હજુ તો 50 ટકા વરસાદ થયો છેે ત્યાં તો રોડના ચિથરાં ઉડી ગયા છે. શહેરના મોટાભાગના રસ્તાથી લઇને મધુરમ બાયપાસ રોડ પર મસમોટા તળાવડા જેવા ખાડા પડી ગયા છે. પરિણામે રસ્તાની હાલાકીથી શહેરીજનો ત્રસ્ત બની ગયા છે. આવા ખાડાના કારણે જ ક્યારે અકસ્માતનો ભોગ બનીએ કંઇ નક્કી ન હોય શહેરીજનોને દરરોજ માથે મોત લઇને ભમવું પડી રહ્યું હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. ઘરેથી નીકળ્યા બાદ ટાંટીયા ભાંગ્યા વિના સહિ સલામત રીતે ઘરે પહોંચો તો નસીબદાર. જોવાની ખૂબી એ છે કે, કોઇ આયોજન કર્યા વિના જ શહેરના મોટાભાગના રસ્તાને ભૂગર્ભ ગટર કે ગેસની લાઇન માટે ખોદી નંખાયા છે.

ચોમાસામાં લોકોની શું હાલત થશે તેનો લેશમાત્ર પણ વિચાર કર્યા વિના આડેઘડ રીતે ખોદકામ શंરૂ કરી દેવાયું હતું. જેનું પરિણામ એ છે કે, જૂનાગઢ શહેરમાં રસ્તાનું ચોમાસા પહેલા પેચવર્કનું કામ ન થયું અને લોકોની હાલાકી વધી ગઇ. શહેરની જેમ જ સ્થિતી મધુરમ બાયપાસની છે. અહિં એવડા મોટા ખાડા પડી ગયા છે કે,બાયપાસ પરથી પાસ થવું કેમ? તેવો સવાલ વાહન ચાલકોને મૂંજવી રહ્યો છે. ખાડામાંથી પસાર થાય ત્યારે આખું વાહન હાલક ડોલક થાય છે.

તળાવડા જેવા ખાડામાં બમ્પર ઘસાઇ જતા નવી નકોર ગાડીના સ્પેરપાર્ટસ લબડી જાય છે. વળી, ખાડા પૂરવા માટે જે મટિરીયલ્સ નંખાઇ છે તેના પર રોલર ફેરવવામાં આવતું નથી. પરિણામે ફરી વરસાદી ઝાપટું આવે એટલે ખાડામાંથી બધી કાંકરી, કપચી,પત્થર તણાઇને રોડ પર ફેલાઇ જાય છે જેથી જાણે રંગોળી પૂરી હોય તેમ લાગે છે. આવી કાંકરી, કપચી, પત્થરના કારણે ખાસ કરીને ટુવ્હિલ ચાલકોને વાહન સ્લિપ થવાની દહેશત વધી જાય છે. જીવના જોખમે દરરોજ વાહન ચાલકોને ખાડામાંથી વાહન લઇને પસાર થવું પડે છે. ત્યારે આ યાતનામાંથી લોકોને ક્યારે છૂટકારો મળશે? તેવો સવાલ પણ લોકોમાં ઉઠી રહ્યો છે.જોકે, તેનો યોગ્ય જવાબ તંત્ર પાસે હોય તેવું જણાતું નથી.

ક્યાં ક્યાં રસ્તાની હાડમારી છે?
શહેરના મધુરમ બાયપાસ, મોતીબાગ, જોષીપરા, મજેવડી ગેઇટથી
દોલતપરા, મોતીબાગથી સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાની ભારે હાડમારી છે. આવા ખાડા ખબડા વાળા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ઉંટની સવારીનો અનુભવ થાય છે.

કોંગ્રેસ આંદોલન કરે તો દબાવી દેવાય છે
ભૂગર્ભ ગટર અને ગેસની લાઇન માટે રસ્તા ખોદાયા બાદ સમયસર પેચવર્ક ન થતા શહેરના અનેક ભાગોમાં વાહનો ફસાઇ જવાના અનેક બનાવો બને છે. ખરાબ રસ્તાના કારણે લોકોની હાલાકી વધી ગઇ છે. ત્યારે પ્રજાની સમસ્યાને ઉજાગર કરવા વિપક્ષ-કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરાય તો પ્રજાના અવાઝ સમા આંદોલનને યેનકેન પ્રકારે દબાવી દેવાય છે. - લલીત પણસારા, કોર્પોરેટર વોર્ડ નંબર 6

અન્ય સમાચારો પણ છે...