તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ માહેર:2 દિ' વરસાદથી હવે 1.03 લાખ હેક્ટરમાં વાવેતર થશે

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેતરનું પાણી કુવામાં ઉતરવા માંડ્યું - Divya Bhaskar
ખેતરનું પાણી કુવામાં ઉતરવા માંડ્યું
  • મજૂરી અને રોગથી મુક્તિ માટે સોરઠનાં ધરતીપુત્રો સોયાબિન તરફ વળવા લાગ્યા

છેલ્લા 2 દિવસથી સોરઠમાં પડેલા વરસાદને લીધે જે લોકોને પિયતના અભાવે વાવેતર નહોતું થઇ શક્યું એ ખેડૂતો હવે વાવેતર કરવા લાગ્યા છે. આ રીતે જૂનાગઢ જિલ્લામાં 1.03 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવાનો અંદાજ છે.જૂનાગઢ જિલ્લાનો સરેરાશ વાવેતર વિસ્તાર 3.33 લાખ હેક્ટરનો છે. વરસાદ ખેંચાવાને લીધે ગત અઠવાડિયા સુધીમાં જિલ્લામાં 2,30,000 હેક્ટરમાં વાવેતર થયું હતું. પણ છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને લીધે હવે જે લોકોને વાવેતર નહોતું થઇ શક્યું એ લોકો વાવેતર કરવા લાગ્યા છે.

આથી જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બેથી ત્રણ દિવસમાં અંદાજે 1.03 લાખ હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજ છે. સોરઠનો મુખ્ય પાક મગફળી છે. પણ મજૂરોની અછતને લીધે તેમજ રોગને લીધે હવે ખેડૂતો સોયાબિન તરફ વળવા લાગ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું છે. તજજ્ઞોના મતે મગફળીમાં ઉપાડવા સહિતની જે મજૂરી થાય એ સોયાબિનમાં નથી કરવી પડતી. વળી તેમાં બહુ રોગ આવવાની શક્યતા પણ નથી રહેતી. અને તેના ભાવ પણ સારા મળે છે. આથી ખેડૂતો તેના તરફ વધુ વળ્યા છે. જોકે, કેટલાક ખેડૂતો તૂવેર તરફ પણ વળ્યા છે ખરા.

5 દિવસ વરસાદ ન થયો હોત તો રોગ આવત
નિષ્ણાંતોના મતે અત્યારે વરસાદ મોડો થયો ખરો. પણ જો હજી 5-6 દિવસ મોડો થયો હોત તો મગફળીમાં સુકારાનો રોગ આવી જાત. વરસાદ થતાં મગફળીનો પાક લેનાર ખેડૂતો પર રીતસર ભગવાનની કૃપા વરસી છે.

વરસાદ થવા છતાં હજુ ઓઝત, સાબલી જેવી મોટી નદીઓમાં નવા નીરની આવક થઇ નથી. આ છતાં ખેડૂતો પાણીનો બગાડ ન થાય એ માટે કુવા રીચાર્જ કરવા લાગ્યા છે. } તસવીર - પ્રવિણ કરંગીયા

ભારે વરસાદની આગાહી વચ્ચે શહેરમાં માત્ર ઝાપટા પડ્યા
​​​​​​​
જૂનાગઢ શહેરમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે માત્ર ઝાપટા જ પડ્યા છે. જ્યારે હવે મેઘરાજા મનમૂકીને વરસી પડે તેવી શહેરીજનો આશ લગાવીને બેઠા છે. જૂનાગઢ શહેરમાં મેઘરાજા મનમૂકીને વરસતા નથી. દિવસભર કાળા ભમ્મર વાદળોથી આકાશ ઘેરાયેલું રહે છે.

ત્યારે હમણાં બારે મેઘ ખાંગા થશે તેવું લોકોને લાગી રહ્યું હતું. દરમિયાન હવામાન વિભાગે પણ બુધ અને ગુરૂ એમ બે દિવસ ભારેવરસાદની આગાહી કરી હતી. જોકે બધાના આશ્ચર્ય વચ્ચે ભારે વરસાદ માટેનું વાતાવરણ બંધાતું હોવા છત્તાં માત્ર હળવા ઝાપટા જ પડી રહ્યા છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં બુધવારે માત્ર 3 મીમી વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...