1 જાન્યુઆરી 2023 ના દિવ્યભાસ્કર અખબારમાં “ફાઈનાન્સ કંપનીએ 60 ટકા વ્યાજ વસૂલતા તપાસના આદેશ” શીર્ષક હેઠળ સમાચાર પ્રસિદ્ધ થતાં જ આજ માસ ફાઇનાન્સ કંપનીના ભોગ બનનારા એક પછી એક લોકો આગળ આવવા માંડ્યા છે. આવો જ એક કિસ્સો જૂનાગઢના દિલીપભાઈ નામના વ્યક્તિનો સામે આવેલ છે.
જૂનાગઢનાં દિલીપભાઈ સોલંકી દ્વારા તેમને લોનની જરૂર પડતા જૂનાગઢ સ્થિત માસ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ પાસે રૂપિયા 30,000 ની લોનની માંગણી કરવામાં આવેલી હતી. કંપની દ્વારા બધા ખર્ચ કાપી 28,208 રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. અરજદાર દ્વારા મેનેજિંગ ડિરેકટરને પત્ર લખી અને જાણ કરેલ કે, ફાઇનાન્સ કંપની તરફથી લોન આપતાં પહેલા માસ ફાઈનાન્સના કર્મચારી દ્વારા 18 ટકા વ્યાજ આપવાની વાત કરવામાં આવેલ હતી.
પણ અરજદારને એક પત્ર મળેલ જે પત્રનો અભ્યાસ કરતાં વ્યાજનો દર વાર્ષિક 58.51 ટકા હોવાનું અને રિઝર્વ બેંકના નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીના નીતિનિયમો કરતાં વ્યાજના દર ખૂબ જ વધારે હોવાનું જણાયું હતું. આટલું ઊંચું વ્યાજ લેવાનો કોઈ નિયમ હોય તો પરિપત્ર આપવા માટે અરજદારે ફાઈનાન્સ કંપનીના ડિરેક્ટરને જણાવેલ હતું.
પરંતુ ડીરેક્ટર તરફથી કોઈ પ્રત્યુત્તર ન આવતા અરજદાર દ્વારા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીમાં ફરિયાદ કરવામાં આવેલ હતી. ઉપરાંત જે તે વિસ્તારમાં ફાઇનાન્સનું કામ કરવામાં મની લેન્ડર્સ એક્ટ હેઠળ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ તેમજ મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર રાજકોટને પત્ર લખી અને સ્પષ્ટ જાણ કરેલ કે, માસ ફાઈનાન્સ કંપની પાસે મની લેન્ડર્સ એક્ટની જોગવાઇઓ અન્વયે આપની કચેરીમાં તે નોંધાયેલ નથી. સદરહું ફાઇનાન્સ કંપની મની લેન્ડર્સ એક્ટની જોગવાઈનો ભંગ કરીને 21 ટકાથી વધારે વ્યાજ વસૂલ કરી રહેલ છે.
ગુજરાત મની લેન્ડર્સ એક્ટની કલમ 33 ની જોગવાઈનો ભંગ કરેલ છે. મની લેન્ડર્સ એક્ટની કલમ 42 હેઠળ શિક્ષાને પાત્ર ગુનાહિત કૃત્ય કરેલા છે તે બાબતની પત્રથી જાણ કરેલ હોવા છતાં જીલ્લા રજીસ્ટ્રાર કચેરીનાં જવાબદાર લાખો રૂપિયાનો પગાર લેતા કર્મચારીઓ દ્વારા સામાન્ય માણસના અવાજને સાંભળવામાં આવેલ ન હતો.
ફાયનાન્સ કંપની કે બેન્ક પણ લોનધારકના કોરા ચેક લઈ શકે નહીં
અનેક ફાઈનાન્સ કંપનીઓ, ક્રેડિટ સોસાયટીઓ નેશનલ બેંકો તથા કો-ઓપરેટિવ બેન્કો ધિરાણ આપતી વખતે અરજદાર પાસેથી માત્ર સહી કરેલા અને કોઈપણ રકમ લખ્યા વિનાના કોરા ચેકો લેવા લેવાનો આગ્રહ રાખે છે. હકીકતમાં આવા કોરા ચેકો કાયદાથી માન્ય નથી.
કારણ કે આવા કોરા ચેકોની કોઈપણ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયૂટ તેમના મનફાવે તે રીતના અરજદારની સહમતી વિના મનફાવે તેવી રકમ ભરી અને કોરા ચેકોનો ગેરઉપયોગ કરી શકે અને મન ફાવે તે રીતના ગેરકાયદેસર રકમ લખી શકે છે.
તેવા સંજોગોમાં કોરા ચેકો હકીકતમાં કાયદાથી અયોગ્ય હોવા છતાં ફાઈનાન્સિયલ સંસ્થાઓ આવા કોરા ચેકો લેવાનો આગ્રહ રાખે છે અને લોન લેનાર દ્વારા આવા કોરા ચેકો આપતા પહેલા આવા કોરા ચેક લેવાનો કોઈ રિઝર્વ બેંકનો નીતિ નિયમ છે કે નહિ? તે બાબતે જે તે સંસ્થા પાસે નીતિ-નિયમ માંગવા જોઈએ, અન્યથા સંસ્થા પાસે આ કોરા ચેક લીધેલ હોવાનું લેખિત માંગવું જોઈએ.
મનીલેન્ડર એક્ટનું સ્થાનિક લાયસન્સ ન ધરાવતી કોઈપણ કંપની સામે ગેરકાયદે ધિરાણની ફરિયાદ થઇ શકે
બગમાર ફાઈનાન્સ લીમીટેડ વિરૂધ સ્ટેટ ઓફ ગુજરાતમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ અભિપ્રાય આપેલ હતો કે ફાઈનાન્સ કંપનીઓ પાસે મની લેન્ડર્સ એક્ટ હેઠળ જે તે વિસ્તારના રજીસ્ટ્રાર પાસે ધીરધારનું લાયસન્સ લેવું જરૂરી છે.
અન્યથા ધિરાણ કરવામાં આવેલી રકમ ગેરકાયદેસર રીતે ધિરાણ કરેલી કહેવાય. વિશેષ જો અરજદાર કાનુની લડત આપે તો તેમના પર થયેલા કેસોમાં આ ચુકાદો ખુબ ઉપયોગી નીવડે તેમ છે. બાગમાર ફાઇનાન્સ કંપની લિમિટેડમાં આપેલા ચુકાદા મુજબ મની લેન્ડર્સ એકટ હેઠળ પ્રમાણપત્રની જરૂર હોવા છતાં અને અરજદાર દિલીપભાઈ સોલંકી દ્વારા આ બાબતે જીલ્લા રજીસ્ટ્રારને આવા ગેરકાયદેસર વ્યાજની જાણ કરેલ હોવા છતાં જવાબદાર કંપની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.
લોન લીધી હોય ત્યાં જ કેસ થઇ શકે
કેટલીક ફાઈનાન્સ કંપનીઓ દ્વારા કરજદારોને હેરાન કરવાના બદઈરાદે જ્યાંથી લોન લીધેલી હોય ત્યાં ચેક નો કેસ કરવાને બદલે અન્ય સ્થળેથી એટલે કે લોન લેનાર જ્યાં રહેતો હોય ત્યાંથી ખૂબ દૂર એટલે કે આવી ફાઈનાન્સ કંપનીની અન્ય શાખા કે તેમની વડી કચેરી મારફત કેસ કરવામાં આવતો હોય છે જેમાં કરજદાર ખુબ હેરાન પરેશાન થાય છે જે કાયદા વિરૂદ્ધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.