સંકલનનો અભાવ કે અન્ય કારણ?:એજન્સીએ ખરીદવાના વાહનોની જનરલ બોર્ડમાં મંજૂરી કેમ અપાઇ?

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • જૂની બોડીએ સૂચવેલા કામોમાં નવી બોડી ફેરફાર કરે છે !
  • જૂની બોડીએ કરેલી સફાઇ માટેના 1.14 કરોડના 14 વાહનોની ખરીદીને રદ કરી
  • નવી બોડી 4.26 કરોડના બીજા વાહનોની ખરીદીની દરખાસ્ત મંજુર કરશે?!

જૂનાગઢ મહાનગરપાલિકામાં અનેક દરખાસ્તો થાય છે જેમાં કેટલીક દરખાસ્તો સામાન્ય પ્રજાને તો ઉંઘા ચશ્મા પહેરાવવા જેવી હોવાનુું જણાઇ રહ્યું છે. ખાસ કરીને અગાઉની બોડી અને વર્તમાન બોડી વચ્ચે સંકલનનો અભાવ હોય કે પછી અન્ય કારણ હોય જૂની બોડીએ કરેલી દરખાસ્ત પૈકી કેટલીક દરખાસ્તો નવી બોડી રદ કરે છે કાંતો તેમાં ફેરફાર કરે છે.

જેમકે, અગાઉની બોડી વખતે બસ સ્ટેશન પાસે પણ રેલવે ઓવરબ્રિઝ બનાવવાની વાત હતી. હાલ ડિઝાઇનમાં ફેરફાર કરી આ જગ્યાએ ઓવરબ્રિઝના બદલે અન્ડર બ્રિઝ બનાવવાની વાત ચાલે છે. જ્યારે અગાઉની બોડીએ 1.12 કરોડના ખર્ચે 14 હાઇડ્રોલીક ફોર વ્હિલ ખરીદવા માટે દરખાસ્ત કરી હતી. હાલની બોડીએ આ દરખાસ્ત એમ કહીને રદ કરી કે, આ વાહનો તો જે તે એજન્સીએ ખરીદવા હતા અને તેણે ખરીદી લીધા છે. જ્યારે હવે તેમના બદલે 4.25 કરડોના ખર્ચે નવા વાહનો ખરીદવા કમિશ્નરે નવી બોડીને દરખાસ્ત કરી છે.

આ દરખાસ્ત નવી બોડી મંજૂર કરશે?! ત્યારે આ અંગે વોર્ડ નંબર 6ના કોંગ્રેસી કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ મનપાના કમિશ્નરને પત્ર પાઠવી જણાવ્યું છે કે, જે વાહનો જે તે એજન્સીએ ખરીદવાના હતા તો તે વાહનો ખરીદવા મહાનગરપાલિકાએ જનરલ બોર્ડમાં કેમ દરખાસ્ત મંજૂર કરી છે? ત્યાર બાદ કોના હુકમથી એજન્સીએ વાહનો ખરીદ કરેલા છે? શું મહાનગરપાલિકાના અધિકારી, પદાધિકારીઓને એજન્સી સાથે થયેલ ટેન્ડરની શરતો-એમઓયુથી અંધારામાં છે કે પ્રજાને અંધારામાં રાખે છે?

અગાઉ પણ રોડ તોડવાની બાબતે જનરલ બોર્ડમાં જણાવ્યું હતું કે, એજન્સીએ ડામરના રોડ- પેચવર્ક બનાવી આપવા એવી શરતોનો ટેન્ડરમાં ઉલ્લેખ કરતા ભૂલાઇ ગયો છે! દરમિયાન હવે જે નવા વાહનો ખરીદવામાં આવશે તે કઇ જગ્યાએ અને કઇ કામગીરીમાં વપરાશે તેની પણ વિગતો પ્રજા સમક્ષ જાહેર કરવી જોઇએ તેવી માંગ કરાઇ છે.

નવા 4.26 કરોડના ખર્ચે આ વાહનો ખરીદી માટેની દરખાસ્ત કરાઇ
હાઇડ્રોલીક ફોર વ્હિલ 2(ફૂટ વેસ્ટ માટે),જેસીબી ફ્રન્ટ એન્ડ લોડર 1(ડોઝર બ્લેડ સાથે),ટ્રક માઉન્ટેન્ડ રોડ સ્વિપર મશીન 1,મોટું જેસીબી 1, ટ્રક માઉન્ટેન્ડ વોકળા સફાઇ મશીન 1, ટ્રક માઉન્ટેન્ડ લીટર પીકર 1, મોટું જેસીબી 1, મોટું જેસીબી (ટેલી હેન્ડલર) 1,જેસીબી ફ્ર્રન્ટ એન્ડ ડોઝર 1(લોડર બ્લેડ સાથે), ટ્રેકટર માઉન્ટેન્ડ રોડ સ્વિપર મશીન 1, પીકઅપ જીપ 1, રેસ્ક્યુ પીકઅપ જીપ 1 અને પીકઅપ જીપ 1. આમ, કુલ 13 વાહનો 4,26,53,830ની ગ્રાન્ટમાંથી ખરીદવા કમિશ્નર તરફથી દરખાસ્ત કરાઇ છે.

અગાઉના મશીન,એસી બસ ધૂળ ખાય છે
અગાઉ લીધેલા રોડ સ્વિપર મશીન ધૂળ ખાય છે અને લોકોને લાખ્ખોની કિંમતના મશીન હોવા છત્તાં ધૂળની ડમરીથી હેરાન પરેશાન થવું પડે છેે. જ્યારે અગાઉ લીધેલી સીટી દર્શન માટેની એસી બસ પણ હાલ બંધ છે. ત્યારે માત્ર નવા વાહનોની ખરીદી પૂરતી જ કાળજી ન રાખતા તેનો યોગ્ય ઉપયોગ થાય તે પણ જરૂરી છે.

કોર્પોરેશનના હિતમાં નિર્ણય લીધો છે
અગાઉ કોર્પોરેશને 50 વાહનો ​​​​​​​સફાઇ માટેની એજન્સીને આપ્યા હતા. તે રિપેર કરીને એજન્સીએ મનપાને પરત કર્યા છે. જ્યારે જે વાહનોની જરૂર નોતી મતલબ કે સફાઇની એજન્સીએ લાવવાના હતા તેની ખરીદી કરી શા માટે પ્રજાના નાણાંનો બગાડ કરવો? એટલે અગાઉ કરેલી 1.12 કરોડના વાહનોની દરખાસ્ત રદ કરી છે. આ રીતે કોર્પોરેશના હિતમાં નિર્ણય લીધો છે. તેની જગ્યાએ જે વાહનોની ઘટ હતી તે મંગાવાશે. - હરેશભાઇ પણસારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન.

અન્ય સમાચારો પણ છે...