જૂનાગઢ એટલે ગઝલગઢ. પણ આ ગઝલગઢમાંથી ગૂંડાગઢ બની રહેલા ઐતિહાસિક શહેર જૂનાગઢમાં રહેતી શાંતિપ્રિય જનતા પરેશાન છે. ભવનાથ તીર્થક્ષેત્રમાં વેટરનરી કોલેજના તબીબી વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં માંગનાથ રોડ ઉપરની બજારના વેપારીઓએ ગુંડાગીરીથી ત્રાસી જઈ વિધાનસભા ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે.
છેલ્લા કેટલાક સમયથી બનતી ઘટનાઓ સાબિત કરે છે કે, જો પ્રજાના પ્રતિનિધિઓ ધ્યાન નહીં આપે તો જૂનાગઢ ગુંડાઓનો ગઢ બની જતા વાર નહિ લાગે. વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભવનાથ વિસ્તારમાં ઝઘડો કરી દાતાર રોડ ઉપરથી પસાર થતી વખતે કરવામાં આવેલા હુમલામાં ત્રણ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. પણ આ મામલે લુખાતત્વો સામે કોઈ કાર્યવાહી ન થતા રોષ જોવા મળી રહ્યો છે.
નેતાઓ ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે જૂનાગઢની ઐતિહાસિક બજાર ગણાતા માંગનાથ રોડ વિસ્તારમાં વેપાર કરતા વેપારીઓએ ગુંડાગીરીથી ત્રસ્ત થઈને આખરે લોકશાહીના સૌથી મોટા પર્વમાં મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. વેટરનરી તબીબો પણ આવું જ વિચારી રહ્યા છે. ત્યારે જૂનાગઢની શાંતિને હણી લેનારા મુઠ્ઠીભર તત્વોને જેર કરવામાં નહીં આવે તો લોકોની મુશ્કેલીઓ વધશે તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે.
જૂનાગઢનું ભવનાથ તીર્થક્ષેત્ર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં દરરોજ રાત્રે લોકો કુદરતના સાનિધ્યમાં આવે છે. પરિવાર સાથે આવતા લોકો પોતાની મસ્તીમાં હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે રીતે આવારાગીરી વધી છે તે ત્રાસદાયક છે. મોટરસાયકલ ચાલકો રેસ લગાવે, લોકોના કાન ફાટી જાય તેવા અવાજ કરે અને જો કોઈ બોલે તો ગુંડાગીરી કરે. આવી સ્થતિમાં લોકોની અપેક્ષા હોય કે જનતાના રક્ષણની જવાબદારી જેના શિરે છે તેવી પોલીસ આવા તત્વોને રોકે. પણ આવું થતું નથી.
રાત્રીના 12 વાગ્યા સુધી બધું જ ચાલતું રહે છે. બરાબર 12 વાગે એટલે પોલીસ હાથમાં પ્લાસ્ટિકના પાઇપ લઈને નીકળે અને પરિવાર સાથે બેઠેલા લોકોને ઘરે જવા દબાણ કરે!! રીતસર પશુઓને હાંકતા હોય તેવું વર્તન પણ કરે. જોકે, એવો કોઈ કાયદો નથી કે રાત્રીના 12 વાગે એટલે ઘરમાં ભરાઈ જવાનું.
જો કોઈ દલીલ કરે તો એવું પણ કહે કે, અમે તો તમારી સલામતી માટે કરીએ છીએ! પણ લોકોની સલામતીની ચિંતા હોય તો જ્યારે આવગીરી કરતા તત્વો હોય ત્યારે પોલીસ ક્યાં હોય છે ? પોલીસનું કામ તો જનતાનું રક્ષણ કરવાનું છે, ગુંડાઓને છૂટો દોર આપવાનું નથી. પણ આવી રીતે પોલીસે ક્યારેય કોઈને આવારાગીરી કરતા રોક્યા નથી માટે લુખાઓ બેફામ બન્યા છે.
એક બહાનું એવું પણ આપે છે કે, રાત્રીના જંગલી પ્રાણીઓ આવી જતા હોવાથી લોકોને નુકસાન ન પહોંચે એ જોતા પોલીસ રાત્રીના 12 પછી લોકોને ઘરે મોકલે છે. પણ જંગલી પ્રાણીઓ આવી જતા હોય તો તે જોવાની જવાબદારી વન વિભાગની છે. પણ એ વિભાગ તો બેફામ ફટાકડા ફૂટતા હોય ત્યારે પણ ગાયબ હોય છે! માત્ર ભવનાથ નહીં માંગનાથ રોડ ઉપર પણ બેફામ ગુંડાગીરી થાય છે. ત્યારે પણ તંત્રની ઊંઘ તો ઊડી જ નથી, પણ ઉમેદવારોની ઊંઘ ઉડે એ જરૂરી છે.
પોલીસે લોકોને ભગાડવાને બદલે ગુંડાતત્વો ઉપર કંટ્રોલ કરવો જોઈએ
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં રાત્રીના સમયે લોકો શાંતિ મેળવવા માટે આવતા હોય છે. ખાસ કરીને શનિ-રવિની રજામાં લોકો ખુબ મોટી સંખ્યામાં હોય છે. ત્યારે આ વિસ્તાર સીસીટીવી કેમેરાથી સજ્જ છે. બીજા શહેરમાં લોકો રાત્રીના 2-2 વાગ્યા સુધી બહાર હોય છે. સુરક્ષાની વાત જુદી છે પણ આ એક જ વિસ્તાર એવો છે જ્યાં લોકો શાંતિ માટે આવે છે. ત્યારે પોલીસે જનતાને ભગાડવાને બદલે આવારાગીરી કરતા તત્વોને જેર કરવા જોઈએ.- અમૃત દેસાઈ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.