ભાસ્કર એક્સક્લુઝિવ:જીતીશ કે હારીશ, એની ખબર ઉમેદવારને મતદાન પૂરું થતાંજ પડી જાય

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચૂંટણી જીતવા હવેના સમયમાં સર્વે જ સૌથી અસરકારક રીત બની છે
  • ઉમેદવાર જીતશે કે નહીં એનો સર્વે પણ મતદાન પહેલાં અચૂકપણે થાય, એજન્સી અથવા ક્યારેક અનુભવી કાર્યકરો જાતે પણ મેદાનમાં ઉતરે

મતદાન પૂર્ણ થયા બાદ પરિણામ શું હશે એના વિશે સામાન્ય લોકોમાં ભારે ઉત્સુકતા હોય છે. પણ ખુદ રાજકીય પક્ષોના ઉમેદવારોને તો પોતે જીતે છે કે નહીં અને જીતે છે તો કેટલા મતે એની મતદાનનાં દિવસે સાંજેજ ખબર પડી જાય છે. મતદાન પહેલાં પણ જેતે રાજકીય પક્ષો મતવિસ્તારમાં ખાનગી એજન્સી અથવા અનુભવી સંસ્થાઓ મારફત સર્વે કરાવતા હોય છે. જેમાં ક્યારેક અનુભવી કાર્યકરો પણ મેદાનમાં ઉતરે છે.

મોટાભાગનાં મતદાર મતદાન મથકે પહેલાં રાજકીય પક્ષનાં ટેબલે જાય. તેની પાસે કાપલી પણ હોય છે. આ કાપલી કયા રાજકીય પક્ષની છે એ જોઇને ટેબલે બેઠેલા એજન્ટ જેતે વ્યક્તિએ મતદાન કરી લીધાની નિશાની કરે છે. પણ જો તે સામેની પાર્ટીના ટેબલે જાય તો તેની નોંધ જુદી નિશાની વડે કરાય છે. કેટલાક એવા મતદારો પણ હોય જેઓ બીએલઓએ આપેલી કાપલી સાથે જાય. કેટલાકને ખબરજ હોય પોતાના ક્રમાંકની. આથી તેઓની ખાસ ખબર પડતી નથી. પણ આવા મતદારો 10 થી 15 ટકા જ હોય છે.

કેટલા મત ગયા એનો સચોટ અંદાજ આવી જાય
ટેબલ પર બેઠેલા એજન્ટની યાદીમાં કરેલી નિશાનીઓ મતદાન પૂરું થયા બાદ કાર્યાલયે જાય. જ્યાં આ પ્રકારની બધી યાદીઓનું સંકલન કરીને ઉમેદવારને પોતાની તરફેણમાં કેટલા મત પડ્યા અને સામે કેટલા મત ગયા એનો સચોટ અંદાજ આવી જાય છે. આમાં કદાચ થોડો ફેરફાર હોય તો પણ એનું પ્રમાણ 5 ટકાથી વધુ નથી હોતું. ટૂંકમાં, કેટલી લીડથી પોતે જીતે છે અથવા કેટલા મતે હારે છે એનો ખ્યાલ એજ દિવસે તેને આવી જાય છે.

સર્વેની રીત જાણવી પણ રસપ્રદ
મતવિસ્તારમાં રાજકીય પક્ષો પણ પોતાનો ઉમેદવાર જીતે છે કે હારે છે અથવા તેની સામે ક્યા મુદ્દા વિરૂદ્ધમાં જાય છે એ જાણવા કરાતા સર્વેની રીત જાણવી પણ રસપ્રદ છે. આ માટે રાજકીય પક્ષ અથવા ક્યારેક ઉમેદવાર પોતે સર્વે કરાવે છે. જે એજન્સી પાસે પણ કરાવાય. તો ક્યારેક રાજકીય પક્ષના જૂના અને અનુભવી કાર્યકરો પોતે જુદા જુદા વિસ્તારોમાં પહોંચીને આવો સર્વે કરતા હોય છે.

કેવી રીતે થાય સર્વે?
સર્વે કરનારે જેતે મતવિસ્તારમાં રૂબરૂ જઇને તદ્દન વિરૂદ્ધના વિસ્તારોમાં પાનની દુકાનો, ચાની એવી લારી જ્યાં વધુ લોકો એકઠા થતા હોય ત્યાં જવાનું હોય છે. પોતાની કોઇ જાતની ઓળખાણ આપ્યા વિના ચૂંટણીમાં શું લાગે છે, કોણ જીતે એમ છે, કોણ હારે છે, કોઇના જીતવા કે હારવાનાં કારણો શું છે, આવા મુદ્દાઓ ઉખેળીને ચર્ચા કરાય છે. એનાથી તારણ નીકળે એ ધ્યાનમાં લેવાય. અને પછી સાંજે તેની નોંધ પત્રકમાં થઇ જાય.

સર્વે વખતે જો કાર્યકર ગયા હોય તો પત્ર સાથે ન રાખે. ફક્ત મનમાં અભિપ્રાયને યાદ રાખી લે. આવી રીતે જુદા જુદા વિસ્તારોમાં ઓછામાં ઓછા 10 સ્થળેથી તો તારણ લેવાયજ છે. તેનું સંકલન કરીને જે વાત બહાર આવે એના પરથી જેતે બેઠક પર પાર્ટીનો ઉમેદવાર જીતે છે કે હારે છે એનો ખ્યાલ આવી જાય છે. આમાં સર્વે કરનાર સામેની વ્યક્તિ કોઇ રાજકીય પક્ષનો કાર્યકર કે સંકળાયેલો તો નથીને એનો ખાસ તાગ મેળવે છે. જેઓને રાજકારણ સાથે કાંઇ લાગતું વળગતું ન હોય એવા લોકો વચ્ચેજ ચર્ચા કરાય છે. કોઇપણ ઉમેદવારનો પોતાનો ગઢ હોય તો પણ ત્યાં તેના થોડાક વિરોધી તો મળી જ જાય એ પણ વાસ્તવિકતા છે.

કાર્યકર્તા સામેની નારાજગી પણ સામે આવી જાય
ધારાસભ્ય કદાચ બધે જઇ શક્યા ન હોય અને જુદા જુદા ગામોમાં પોતાના કાર્યકર્તાને રસ્તા કે બીજા કામો સોંપ્યા હોય અને તેમાં ભ્રષ્ટાચાર થયો હોય અથવા બીજી કોઇ નારાજગી હોય તો એ પણ સર્વેમાં સામે આવી જાય છે.

વિરોધ હોય તો ડેમેજ કન્ટ્રોલ થાય
કોઇ વિસ્તારમાં ઉમેદવારનો વિરોધ હોય તો શા માટે વિરોધ છે એ જાણીને તેના ઉપાયો માટે જેતે વિસ્તારના આગેવાનો અથવા સામાજીક કે જ્ઞાતિ આગેવાનને મોકલીને વિરોધ શમાવવાના પ્રયાસો થાય છે.

વનસાઇડ જીતતું હોય ત્યાં વોટીંગ ઓછું, છત્તાં વધુ જોખમી
જ્યાં ઉમેદવાર કે પાર્ટી સામે કોઇ વિરોધજ ન હોય ત્યાં તે વનસાઇડેડ જીતવાની શક્યતા જોવાતી હોય ખરી. આવા સ્થળે વોટીંગ સામાન્ય રીતે ઓછું થતું હોય છે. કારણકે, લોકો માને કે એ જ જીતે છે. આવી બેઠક પર ઉમેદવારે વધુ ધ્યાન રાખવું પડે છે. કારણકે, ખુલીને વિરોધ ન થતો હોય ત્યાં કદાચ ઓવરકોન્ફીડન્સમાં ન રહી જવાય એની તકેદારી રાખવી પડે. તો પોતાના કમીટેડ મતદારો મતદાનથી આળસ ન રાખે એ માટે તેઓને મતદાન માટે બહાર પણ કાઢવા પડે.

જે લઇ જાય તેને મત આપનારા
દરેક બેઠકમાં 15 થી 20 ટકા મતદાર તો એવાજ હોય કે, જે પક્ષ કે ઉમેદવાર તેને લઇ જાય એને મત આપે. એ રાહ જોઇને બેઠા હોય કે કોણ લેવા આવે.

રસાકસી પણ બહાર આવી જાય
જો કોઇ બેઠક પર રસાકસી થવાની હોય તો જુદી જુદી જ્ઞાતિઓની સંખ્યા કેટલી છે, એ કોને મત આપે એમ છે તેના પરથી ત્યાં રસાકસી થવાની છેકે નહીં તેની ખબર પડી જાય છે.

અન્ય સમાચારો પણ છે...