ક્રાઇમ:જ્યાં આરતીનો નાદ સંભળાતો હોય ત્યાં આવારા તત્વોની ચિચિયારીઓ અને ધૂમ સ્ટાઈલ મોટર સાયકલની બઘડાટી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જૂનાગઢનો ભવનાથ વિસ્તાર તીર્થક્ષેત્ર તરીકે વિકસે એ પહેલાં જ ગુંડાઓની ચુંગાલમાં ફસાયો

જૂનાગઢ એટલે દેવાધિદેવ ભવનાથ દાદાના સાનિધ્યમાં વસેલું નગર આ શહેરની સૌથી પહેલી ઓળખ ભવનાથનો મેળો છે. જે જૂનાગઢને વિશ્વના પ્રવાસન નકશામાં સ્થાન અપાવે છે. જ્યાં કુદરતે અપાર સૌંદર્ય વેર્યું છે એવી આ પહાડો અને જંગલની સમૃદ્ધિના વિસ્તારમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. પરંતુ દેવનગરી એવા આ વિસ્તારમાં લોકોની આવનજાવન વધતાં ગુંડાઓએ પણ માતેલા સાંઢ બનીને પગપેસારો શરુ કર્યો અને તંત્રએ ધ્યાન ન આપ્યું એટલે ચિલ્લર દાદાઓ ફૂટી નીકળયા છે.

જૂનાગઢમાં ગુંડાગીરી સામે અવાજ ઉઠ્યો
ત્યારે શાંતિપ્રિય જનતા મૌન ભલે હોય, સમય આવે ત્યારે જવાબ તો આપે જ એવી સ્થિતિ વચ્ચે જૂનાગઢમાં ગુંડાગીરી સામે અવાજ ઉઠ્યો છે. ભવનાથ વિસ્તાર આમ તો વનવિભાગના અધિકાર હેઠળ જ આવતો હોય તેવી સ્થિતિ છે. આ વિસ્તારમાં મહાનગરપાલિકાનું વજૂદ નથી. જાણે ધણીધોરી વગરનો વિસ્તાર હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભવનાથ વિસ્તારમાં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેનું મેદાન એકમાત્ર ખાલી જગ્યા છે. આ જમીન આમ તો કૃષિ યુનિવર્સીટીની માલિકીની છે.

લીલી પરિક્રમા સમયે હજારો પોલીસ જવાનો ફરજ ઉપર હોય
પણ તેનો ઉપયોગ નાના ધંધાર્થીઓ રોજીરોટી માટે કરે છે. અને એટલે જ અહીં ભૂલકાઓ પણ આકર્ષાઇ રહ્યા છે. માલિકી ન હોવા છતાં નાના ધંધાર્થીઓ પાસેથી ભાડું અથવા વેરો ઉઘરાવતી મહાનગરપાલિકા અહીં સલામતી માટેની કોઇ જવાબદારી લેતી નથી. ભવનાથ વિસ્તારમાં રજાઓ અને તહેવારો સમયે લાખો લોકો ઉમટી પડે છે. પણ સલામતીનો પ્રશ્ન ઉભો થતાં લોકોમાં ભયનો માહોલ છે. અહીં ભવ્ય પોલીસ મથક ઉભું કરવામાં આવ્યું છે. કારણકે, મહાશિવરાત્રીના મેળામાં અને લીલી પરિક્રમા સમયે હજારો પોલીસ જવાનો ફરજ ઉપર હોય છે.

અહીં ગુંડાગીરી અને લુખાગીરી બેફામ બની ​​​​​​​
પરંતુ એ સિવાયના દિવસોમાં અહીં ગુંડાગીરી અને લુખાગીરી બેફામ બની છે. સાંજ પડે એટલે ભવનાથ વિસ્તાર મંદિરોમાં આરતીના નાદથી ગુંજી ઉઠે છે. પણ એ પછી શરુ થાય છે આવારાગીરી. બેફામ બનીને મોટરસાયક્લો દોડાવવા, અશ્વોને દોડાવવા, આડેધડ પાર્કિંગ, એ બધું એટલું વધી જાય કે અહીં આવતા પ્રવાસીઓ અને શાંતિપ્રિય જનતાએ જગ્યા છોડવી પડે. આ સમયે અહીં સુરક્ષાની કોઈ વ્યવસ્થા હોતી નથી. માત્ર રાત્રે 12 વાગે પોલીસ ધંધા રોજગાર બંધ કરાવવા નીકળે અને જનતાને ઘરે જવા દબાણ કરે.

લુખ્ખા તત્વો જ ભવનાથની શાંતિને હણી રહ્યા ​​​​​​​
આ વિસ્તારમાં વેપારીઓ પણ ગુંડાગીરીનો ભોગ બને છે. મોટા ભાગે સાંજ પડેને આવી જતા લુખ્ખા તત્વો જ ભવનાથની શાંતિને હણી રહ્યા છે. ત્યારે આ ધર્મનગરીને ગુંડાગીરીથી મુક્ત કરવી જરૂરી બની છે. અહીં ગુંડાઓ ડરે અને જનતા ભયમુક્ત બને એવું વાતાવરણ ઉભું કરવાની જવાબદારી જેની છે એવા જન પ્રતિનિધિઓ ભેદી મૌન ધારણ કરીને બેસી ગયા છે. જોકે, હવે જનતા જાગી છે ત્યારે ભવનાથ એક શાંત અને ધર્મનગરી બની શકે તેવા પ્રયત્ન સાથે આવારા તત્વો સામે કડકાઈ નહીં દાખવવામાં આવે તો જનતાનો રોષ ભારે પડશે.

ગુંડાગીરી સામે દિવ્યભાસ્કરનાં અહેવાલને જનતાએ વધાવ્યો, હજારો લોકોએ સ્ટેટ્સમાં રાખ્યો આર્ટિકલ
જૂનાગઢના ભવનાથ તીર્થક્ષેત્ર અને માંગનાથ બજારમાં ગુંડાગીરીથી ત્રસ્ત જનતાની વાત કોઈ સાંભળતું નહતું. પરંતુ દિવ્ય ભાસ્કરે પોતાની બેધડક વાત એના જ અંદાજમાં અખબારમાં પ્રસિદ્ધ કરી સવાલ ઉઠાવતાં લોકોએ આ સમાચાર પોતાના મનની વાત હોય એમ વધાવી લીધા હતા. અને આખો દિવસ સોશ્યલ મીડિયામાં આ સમાચારની ચર્ચા રહી હતી. જૂનાગઢમાં ગુંડાગીરી એટલી બેફામ બની છે કે તેની સામે અવાજ ઉઠાવતા સામાન્ય જનતા ડરે છે. એક તરફ ચૂંટણીનો માહોલ છે બીજી તરફ ગુંડાગીરી અંગે દિવ્યભાસ્કરે જનતાની વાત પ્રસિદ્ધ કરીને તંત્રની ઊંઘ ઉડાડી હતી. આથી જનતાએ તેને વધાવી લઈ હજારો લોકોએ પોતાના સ્ટેટ્સમાં આ આર્ટિકલ રાખીને એક સંદેશ આપ્યો હતો કે, આ અમારી પીડા છે.

માંગનાથ રોડ ઉપરના વેપારીઓને પોલીસનું અભય વચન
માંગનાથ રોડ ઉપર આવેલી બજારમાં દુકાનો ધરાવતા અને ગુંડાગીરીઓ સતત ભોગ બનતા વેપારીઓના અવાજને દિવ્યભાસ્કરે ઉઠાવ્યા પછી પોલીસ તંત્ર અને નેતાઓ દોડતા થયા છે. આ મામલે વેપારી અગ્રણી હિતેષ સંઘવીએ કહ્યું હતું કે, અમે ગુંડાગીરીથી ત્રાસી જઈને મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. આ મામલે અમારી વાત સરકાર સુધી પહોંચાડી દેવામાં દિવ્ય ભાસ્કરે મહત્વની ભૂમિકા ભજવતા પોલીસ અધિકારીઓએ માંગનાથ બજારમાં કોઈ ગુંડો ફરકશે નહીં અને હવે પોલીસ વોચ રાખશે તેવી બાંહેધરી આપી છે. હજુ અમે આ મામલે નેતાઓ અને સાંસદ સમક્ષ પણ રજૂઆત કરવાના છીએ. અમારી સમસ્યા કોઈ સાંભળતું નથી. માત્ર હાલના સમયની વાત નથી આખું વર્ષ અહીં સલામતી માટે પોલીસ ગોઠવવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...