કેશોદ નગરપાલિકા વિસ્તારમાં જુદા-જુદા વિકાસલક્ષી કામો અને આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરાવવા સરકાર દ્વારા ફાળવવામાં આવેલા કરોડો રૂપિયાના કામનું નિરીક્ષણ કરવા અને જરૂરી સૂચના આપવા ગુજરાત રાજ્ય નગરપાલિકાની પ્રાદેશિક કમિશનર કચેરીનાં પ્રાદેશિક કમિશનર અજય દહિયાએ મુલાકાત લીધી હતી.
કેશોદ નગરપાલિકા વિસ્તારમાં પુરા દબાણથી પાણી મળી રહે એ હેતુથી દેવગઢ ખાતે આવેલાં ડેમથી અલગ સીધી પાઈપલાઈન નાંખવામાં આવી છે. જેમાં ખેતરોમાં પાઈપલાઈન નાંખવાને બદલે કેશોદ અજાબ રોડ પર રીબીન પટ્ટી પર નાંખી છે. જેથી આ રોડને ડબલ ટ્રેક રોડ બનાવવામાં આવશે. ત્યારે ભારે વાહનો પાઈપલાઈન પરથી પસાર થશે ત્યારે ક્ષતિ સર્જાવાની સાથે પાણીનો વ્યય અને મરામત થાય નહીં ત્યાં સુધી પાણી વિતરણ વ્યવસ્થા ઠપ્પ થવાની પુરેપુરી સંભાવના છે.
ભાવનગર સ્થિત પ્રાદેશિક કમિશનર અજય દહિયા દ્વારા નગરપાલિકાના જુદા જુદા વિકાસ કામ સંબધિત સ્થળોની મુલાકાત લઇ ચીફ ઓફિસર સાથે પ્રોજેકટ સંબંધિત માહિતી મેળવવામાં આવી. જેમાં નલ સે જલ પ્રોજેક્ટ અંતર્ગત દેવગઢ હેડવર્કસથી ત્રાંગડશાપીર હેડ વર્કસ, અમૃતનગર ઉંચી ટાંકી, આલાપ હેડ વર્કસની ઉંચી ટાંકી, આગવી ઓળખ યોજના અંતર્ગત ગાર્ડન ડેવલોપમેન્ટ અન્વયે આંબાવાડીમાં આવેલા બગીચાની મુલાકાત, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2019-20 અંતર્ગત પ્રગતિ હેઠળના ટાઉનહોલના કામની તેમજ ચોમાસાના કારણે નુકસાનગ્રસ્ત રસ્તાઓને રોડ રીસરફેસીંગના કામના સ્થળ મુલાકાત લીધી હતી.
દરમિયાન રીસરફેસીંગના કામમાં પણ ચોક્કસ મતવિસ્તારમાં પ્રાધાન્ય આપવામાં આવી રહ્યાં હોવાનાં આક્ષેપો થઈ રહ્યા છે. અમુક વિસ્તારોમાં છેલ્લ ત્રણ વર્ષથી રીસરફેસીંગ કામ કરવાનું ઠરાવવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં બાહેધરી પણ આપવામાં આવી હોવા છતાં કામ થયું નથી. રોડ રસ્તાનાં કામનો વિવાદ વકરતાં સત્તાધારી પક્ષના આગેવાનો ઝપાઝપી કરી કાંઠલા પકડવા સુધી પહોંચી ગય હતાં. પ્રાદેશિક કમિશનર અજય દહિયાએ તમામ કામ સંબંધિત ચીક ઓફિસર, મ્યુનિસિપલ એન્જીનીયર તથા આ કામના કન્સ્ટન્ટને જરૂરી સૂચના આપી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.