ભાસ્કર એક્સક્લુઝીવ:બ્રેક ફેઇલ થતાં ઢાલ રોડ ઉપરથી ટ્રક માતેલા સાંઢની જેમ ચીત્તાખાના ચોકમાં ધસી આવ્યો

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 બાઇકને હડફેટે લઇને ધડાકાભેર થાંભલે ટકરાઇ અટકી ગયો : બે યુવાનો, એક આધેડને ઇજા

જૂનાગઢના ચીત્તાખાના ચોકમાં મોડી સાંજે ઢાલ રોડ પરથી ઉતરતી એક ટ્રકની બ્રેક ફેઇલ થઇ ગઇ હતી. આથી ડ્રાઇવરે પણ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. ટ્રકે 2 બાઇકને હડફેટે લેતાં 3 વ્યક્તિને ઇજા પહોંચી હતી. અને બાદમાં તે રોડની સાઇડે આવેલી એક દુકાનની બાજુના થાંભલે અટકી ગઇ હતી. બનાવને પગલે ચીત્તાખાના ચોકમાં નાસભાગ મચી ગઇ હતી. બનાવને પગલે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.

વીગતો મુજબ, વાત જાણે એમ બની કે, આજે મોડી સાંજે 9 વાગ્યાના અરસામાં એક મીની ટ્રક ઢાલ રોડ ઉતરતી હતી. એ વખતે તેની બ્રેક ફેઇલ થઇ ગઇ હતી. આથી ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને ટ્રકે એક ડબલ સવારી અને એક સીંગલ સવારી એમ બે બાઇકને ઉડાવી હતી. જેમાં કુલ 3 વ્યક્તિને ઇજા પહોંચી હતી. બંને બાઇકને ઉડાવ્યા બાદ ટ્રક બાજુમાં આવેલી એક દુકાન પાસેના થાંભલાને ભટકાઇને ઉભી રહી ગઇ હતી. આ બનાવમાં બાઇક સવાર અબ્દુલ્લા ઝુબેર વોરા (ઉ. 20), ઇકબાલ નુરમહંમદ મકરાણી (ઉ. 23) અને ઓસમાણ હુસેન સીડા (ઉ. 50) ને ઇજા પહોંચી હતી. બનાવને પગલે ચીત્તાખાના ચોકમાં નાસભાગ મચી ગઇ હતી. અને ટ્રક ઉભો રહી જતાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

જોકે, ટ્રકની બ્રેક ફેઇલ કેવી રીતે થઇ, તે લોડેડ હતો કે કેમ, આ બધી વીગતો હજુ મેળવાઇ રહી છે. બનાવ બાદ સ્થળ પર ઉપસ્થિત લોકોએ એકઠા થઇ ત્રણેય ઘાયલોને સિવીલ હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યાંથી અબ્દુલ્લા ઝુબેર વોરાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવ અંગે બી ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે ટ્રકના ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.

ઘાયલોને સ્થળ પર હાજર લોકોએ હોસ્પિટલ ખસેડ્યા
ચિતાખાના ચોકમાં બ્રેકફેઇલ થયેલા ટ્રકનો અકસ્માત થતાં જ આસપાસનાં લોકો એકઠા થઇ ગયા હતા. આ તકે પૂર્વ કોર્પોરેટર હુસેનભાઇ હાલાનાં પુત્ર રજાકભાઇ હુસેનભાઇ હાલા ચિતાખાના ચોકમાં પોતાની ઓફિસેથી દોડી આવ્યા હતા. અને સમય સૂચકતા વાપરી ત્રણેયને જાતે જ હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...