20 ગામના ખેડૂતો ખુશખુશાલ:ગીર સોમનાથના શિંગોડા ડેમનો એક દરવાજો ખોલાતા ભરઉનાળે નદીમાં પાણી વહેતા થયા, નીરને વધાવવા ખેડૂતો ઉમટ્યા

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • પંથકના 20 ગામના ખેડૂતોના મુરજાતા પાકોને નવું જીવન મળવાની સાથે કુવાઓના તળ સજીવન થવાથી જગતનો તાત ખુશખુશાલ
  • નદી સુકાઈ જતા ડેમમાં પાણીનો પર્યાપ્ત જથ્થો હોવાથી તેમાંથી છોડવા ખેડૂતોએ માંગણી કરેલ

ગીર સોમનાથના ગીર જંગલમાં આવેલા શિંગોડા ડેમના દરવાજા ખોલવામાં આવતા ભર ઉનાળે શિંગોડા નદીમાં પુર આવ્યાના દ્રશ્યો જોવા મળતા હતા. આ પાણી થકી પંથકના ખેડૂતોના કૂવા રિચાર્જ થશે તો હજારો ખેડૂતોના લહેરાતા પાકોને ફાયદો થશે.

ગીર જંગલમાંથી નિકળતી અને કોડીનાર તાલુકામાંથી પસાર થતી શિંગોડા નદીનો પટ થોડા સમય પહેલા પાણી વિના ખાલી ખમ થઈ ગયો હતો. પરંતુ આજે તેમાં ચોમાસાની જેમ નવા નીર આવતા લોકો આ નજારો જોવા ઉમટી પડયા હતા. શિંગોડા નદી પર આવેલા કોડીનાર - વેરાવળ હાઈવે પરના બ્રિજ ઉપર મોટી સંખ્યામાં લોકો શિંગોડા નદીને ભર ઊનાળે વહેતી જોવા ઉભા રહી ગયા હતા.

સામાન્ય રીતે ચોમાસામાં નદી વહેતી હોઈ છે. પરંતુ આ વર્ષે ગીરના શિંગોડા ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવાના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવેલ હતુ. જેથી ભરઉનાળે બંજર દેખાતી નદીમાં ધસમસતું પાણી વહેતુ થયુ હતુ. જેનો સીધો જ લાભ પંથકના 20 થી વધુ ગામોના ખેડૂતોને થશે અને એટલું જ નહીં ગ્રામ્ય વિસ્તારોની પીવાના પાણીની સમસ્યા પણ હલ થશે. હાલ પડી રહેલા જોરદાર તાપ અને ગરમી વચ્ચે હવે ખેડૂતોના કુવાઓના તળ પણ નીચા જવા લાગી તળિયા ઝાટક થવાના આરે પહોંચી ગયા હતા. જેથી ખેડૂતોને પોતાના પાકોને પાણી પીવડાવી બચાવવા માટે પંથકના શિંગોડા ડેમ તરફ મીટ માંડી બેઠા હતા. ડેમનું પાણી છોડવામાં આવે તો તેમનો મુરજાતો પાકોને નવું જીવન મળશે. જો કે આખરે ખેડૂતોની માંગણીને ધ્યાને રાખી સિંચાઈ વિભાગ દ્વારા શિંગોડા ડેમનો એક દરવાજો ખોલી દેવાયો હતો. જેના પગલે કોડીનાર પંથકની સુકી બનેલી શીંગોડા નદીમાં પાણી વહેતા થયા હતા.

ગીર જંગલમાં આવેલ શિંગોડા ડેમ આમ તો કુદરતી ડુંગરાઓ વચ્ચે પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે ત્યારે શિંગોડા ડેમના પાણીના સંગ્રહથી કોડીનાર તાલુકાની શીંગોડા નદી કાંઠાના 20થી વધુ ગામો અને કોડીનાર શહેર સહિત વિસ્તારોમાં આ પાણી છોડાતા ખેડૂતો અને આમ પ્રજામાં રાહતની લાગણી છે અને આગામી ચોમાસા સુધી અહીં પાણીનું કોઈ સંકટ ઉભો થશે નહીં તેવું જાણકારો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...