ખેડૂતોને સરકારનો ટેકો:જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે, ખેડૂતો આજથી 31 માર્ચ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે

જુનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘઉંના મણના રૂ.403ના ભાવે સરકાર ખરીદી કરશે
  • ગ્રામ્ય કક્ષાએ વીસીઈ દ્વારા તથા તાલુકા કક્ષાએ પુરવઠા નિગમ ગોડાઉન ખાતે વિના મૂલ્યે નોંધણી કરી શકાશે

ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન 2022-23 માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ છે. સરકારે ઘઉં પ્રતિ ક્વિન્ટલ રૂ.2015 (પ્રતિ મણ રૂ.403 )ના ભાવથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠો નિગમ લી.મારફતે ખરીદી કરવામાં આવનાર છે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ વીસીઇ દ્વારા તથા તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉન ખાતે આજથી થી તા.31-3-22 સુધી કરવામાં આવશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને અપીલ કરાઈ છે.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધારકાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો 7,12,8-અ ની નકલ, ગામ નમુના 12 માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેની તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે, બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજિયાત હોય આ માટે સંબંધિત ગ્રામ્ય પંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરાયો છે.

નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવાનો રહેશે. ખેડૂતોએ નોંધણી માટે વીસીઈને કે ગોડાઉન કક્ષાએ કોઇપણ રકમ ચુકવવાની રહેતી નથી, જેની ખાસ નોંધ લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...