હાલાકી:વોર્ડ 15માં 25 વર્ષથી રોડ બન્યો જ નથી !, દરરોજના 50 રિક્ષા ચાલકો, 2000 લોકો થાય છે પરેશાન

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 15ના રાજીવ નગરમાં છેલ્લા 25 વર્ષથી રોડ બન્યો ન હોય સ્થાનિક લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. આ અંગે દિવ્યેશભાઇ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 15માં રાજીવ નગર વિસ્તાર આવેલો છે. અહિં છેલ્લા 25 વર્ષથી રોડ જ બનાવવામાં આવ્યો નથી. રોજના અહિંથી પસાર થતા 50થી વધુ રિક્ષા ચાલકો તેમજ 2,000થી વધુ સ્થાનિક લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. જૂનાગઢમાં શાસન કોંગ્રેસનું હોય કે ભાજપનું. પ્રજાની સમસ્યા ઉકેલવામાં કોઇએ રસ લીધો નથી. એમાંપણ ખાસ કરીને વિકાસની વાતો કરતી ભાજપની વર્તમાન બોડી દ્વારા પણ કોઇ કામગીરી કરવામાં આવતી નથી.

મત માંગવા સમયે આવતા કહેવાતા નગરસેવકો મત આપ્યા પછી ફરી ચૂંટણી ન આવે ત્યાં સુધી દેખાતા પણ નથી. કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તે ભાજપના માનીતા અને તાકતવર કોર્પોરેટરના વોર્ડમાં વપરાય છે. જ્યારે વોર્ડ નંબર 15ના રાજીવ નગર તરફ ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. ત્યારે એકને ગોળ એકનેખોળની ભાજપની નિતી ક્યારે બદલાશે? વોર્ડ નંબર 15ના કોર્પોરેટર પણ રસ્તા મામલે જનરલ બોર્ડમાં પણ બરાડા પાડીને થાક્યા છે પરંતુ તેની રજૂઆત પણ કોઇ સાંભળતું નથી. વધુ રજૂઆત કરે તો પક્ષ વિરોધી પ્રવૃત્તિની ધમકી આપી બેસાડી દેવામાં આવે છે.

સૌનો સાથ સૌનો વિકાસની વાતોના બણગા ફૂંકતા ભાજપના ઉચ્ચ સત્તાધિશોને વોર્ડ નંબર 15ના લોકોનો સાથ(મત) જોઇએ છે પરંતુ વિકાસ કરવો નથી! છેવાડાના લોકો સુધી વિકાસની વાતો કરતા ભાજપના નેતાઓ છેવાડાના લોકોને જ પ્રાથમિક સુવિધા આપવામાં સાવ છેવાડે રાખી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકો આ મામલે ઉગ્ર રજૂઆત, આંદોલન કે ધરણાં કરે તે પહેલા આ વિસ્તારમાં રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...